શહેરમાં પોલીસની પકડ ઢીલી પડતા બેફામ બનેલા તસ્કરોએ કાગદડી ગામના પાટિયા પાસે બે મકાનમાંથી રોકડ-દાગીના મળી કુલ રૂ.1.97 લાખની ચોરી કરી ગયાની ફરિયાદ કરતા કુવાડવા પોલીસે તપાસ કરતા નાના ભાઇ નોકરી પર ગયા હતા અને તેની પત્ની બહાર ગઇ હોય તેમજ મોટા ભાઇ બીમાર પુત્રીની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રોકાયા હોય તસ્કરો ધોળા દિવસે બે મકાનોને નિશાન બનાવ્યા હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડી લેવા કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાગદડીના પાટિયા પાસે રહેતા અને મજૂરીકામ કરતા વશરામભાઇ જેઠાભાઇ જાદવએ ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેની પુત્રીને ડાયાબિટીસની બીમારી હોય સિવિલ હોસ્પિટલમાં દાખલ હોય વશરામભાઇ અને તેની પત્ની હોસ્પિટલ ગયા હતા ત્યારે તેના ભાઇ દેવજીભાઇની પત્ની પારૂબેનનો ફોન આવ્યો હતો અને તેને પુત્રીને તબિયત પૂછી હતી તેમજ તેને તેના નાના ભાઇ હીરાભાઇના ઘેર ચોરી થયાની જાણ કરતા તે પણ તેની ઘેર તપાસ કરવા માટે ઘેર આવ્યા હતા અને ડેલીના તાળાં ખોલી તપાસ કરતા મેઇન દરવાજાના તાળાં તૂટેલા હોય અને લોખંડની પેટીના નકૂચા તોડી 10 હજારની રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1.70 લાખની ચોરી થયાનું તેમજ તેના ઘરની સામે રહેતા તેના ભાઇ હીરાભાઇના મકાનની દીવાલ કૂદી તસ્કરો કબાટના તાળાં તોડી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 27 હજારની મતા મળી કુલ રૂપિયા 1.97 લાખની ચોરી થયાનું જણાવતા એએસઆઇ ખોડુભા સહિતે ગુનો નોંધી તસ્કરોને પકડી લેવા તજવીજ હાજ ધરી હતી.