મહિકા નજીક પુલ પરથી જીપ ખાબકતા માર્ગ મકાન વિભાગના ઇજનેર અને ડ્રાઇવરનું મોત

રાજકોટની ભાગોળે ભાવનગર હાઇવે પર મહિકા નજીક પુલ પરથી સરકારી બોલેરો ખાબકતાં તેમાં બેઠેલા માર્ગ મકાન વિભાગના ઇજનેર અને ડ્રાઇવરના મોત નિપજ્યા હતા, ભાવનગર ખાતે સરકારી કામ પૂર્ણ કરી બંને રાજકોટ પરત આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી.

રાજકોટ માર્ગ મકાન વિભાગમાં યાંત્રિક કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા ચંપકભાઇ છનજીભાઇ પટેલ (ઉ.વ.55) ગુરૂવારે સવારે સરકારી કામે ભાવનગર જવા સરકારી બોલેરોમાં નીકળ્યા હતા, બોલેરોના ચાલક તરીકે બજરંગવાડીમાં રહેતા જાવેદભાઇ યુનુસભાઇ પઢિયાર (ઉ.વ.34) હતા, કામ પૂર્ણ કરી સાંજે કે રાત્રે બંને પરત રાજકોટ આવવા નીકળ્યા હતા અને રાજકોટ નજીક મહિકા પાસે વિઠલવાવની સામે પુલ પરથી જીપ પલટી ખાઇ ગઇ હતી અને બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, બનાવની જાણ થતાં શુક્રવારે સવારે આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી.જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શુક્રવારે વહેલી સવારે મહિકા પુલ નજીક વાડી ધરાવતા એક વૃદ્ધ ખેડૂતની નજર પુલ નીચે ગઇ હતી અને એક બોલેરો પલટી ખાધેલી હાલતમાં તેમને જોવા મળી હતી, વૃદ્ધ સ્થળ પર ગયા હતા અને તપાસ કરતાં પલટી ખાધેલી જીપમાં બે લોકો બેભાન હાલતમાં પડ્યા હતા, આ અંગે તેમણે ફાયરબ્રિગેડ, 108 અને પોલીસને જાણ કરી હતી, ફાયરબ્રિગેડના જવાનોએ જીપમાંથી બેે વ્યક્તિને બહાર કાઢ્યા હતા અને 108ના સ્ટાફે જોઇ તપાસી તે બંને વ્યક્તિ મૃત હોવાનું જાહેર કર્યું હતું.

પોલીસે તપાસ શરૂ કરતાં મૃતક માર્ગ મકાન વિભાગમાં યાંત્રિક કાર્યપાલક તરીકે ફરજ બજાવતાં અને બહુમાળી ભવન સામે હોમગાર્ડ ઓફિસ પાછળ સરકારી ક્વાટર્સમાં રહેતા ચંપકભાઇ છનજીભાઇ પટેલ તેમજ કારના ડ્રાઇવર બજરંગવાડીના જાવેદભાઇ યુનુસભાઇ પઢિયાર હોવાનું ખુલ્યું હતું. ઘટનાને પગલે માર્ગ મકાન વિભાગનો સ્ટાફ પણ હોસ્પિટલે દોડી આવ્યો હતો. આરએન્ડબીના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ઇજનેર સીસી પટેલ ભાવનગરમાં ભરડિયો અને ડામર પ્લાન્ટના નિરીક્ષણમાં ગયા હતા અને પરત ફરતી વખતે તેમને જીવલેણ અકસ્માત નડ્યો હતો, પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે, મહિકા પુલ પર ડ્રાઇવરે કોઇ કારણસર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા જીપ પુલ પરથી નીચે ખાબકી હોવાની દ્રઢ શંકા છે, તેમજ આ દુર્ઘટના ગુરૂવારે મોડીરાત્રે કે શુક્રવારે વહેલી સવારે બની હોઇ શકે, વૃધ્ધ ખેડૂતનું ધ્યાન પડ્યું ત્યારે તો બંને મૃત હાલતમાં જ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *