રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું રૂ. 3118.28 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે. કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટમાં કરદરમાં સૂચવાયેલો રૂ. 150 કરોડનો વધારો કમિટીએ ફગાવી દીધો છે અને બજેટમાં 6 કરોડનો વધારો કરી કુલ નવી 20 યોજનાઓ ઉમેરવામાં પણ આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ મનપામાં કમિશનરે ફાયર ટેક્સનું સૂચન કર્યું હતું. પરંતુ, તે પણ સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધો છે.
રાજકોટ મનપા કમિશનર દ્વારા રજૂ કરાયેલ ડ્રાફ્ટ બજેટમાં આ વખતે જંગી વધારો ઝીકવામાં આવ્યો હતો. મકાનવેરામાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 4 રૂપિયાનો વધારો કરી 11 ના બદલે 15 રૂપિયા કરવા સૂચન કરાયું હતું. જ્યારે બિન રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 5 રૂપિયાનો વધારો કરી 25ના બદલે 30 રૂપિયા કરવા સૂચન કરાયું હતું. જે વધારો સ્ટેન્ડિંગ કમિટીએ રદ કરી જૂનો દર યથાવત રાખ્યો છે.
રાજકોટમાં ફાયર ટેક્સ વસુલવાની શરૂઆત કરવા સૂચન કરાયું હતું. જેમાં રહેણાંક મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટર 15 રૂપિયા તથા બિન રહેણાંક માટે પ્રતિ ચોરસ મીટર 25 રૂપિયા વસૂલવા સૂચન કરાયું હતું. જે પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે.