RMCએ શહેરના 18 વોર્ડમાં પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને પહોંચી વળવા માટે પ્રિમોન્સુન કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. શહેરના તમામ 18 વોર્ડમાં વ્યાપક સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં 16 જેટલા બ્લોક (વોકળા)ની સફાઈ, ડ્રેનેજ લાઇનોની સફાઈ અને અન્ય આનુષંગિક કામોનો સમાવેશ થાય છે. ચોમાસા દરમિયાન શહેરીજનોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અત્યારથી કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ગત વર્ષોમાં જે વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, તે વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રામનાથ પરા, લલુડી વોકળી અને રૈયા ગામ જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ જોવા મળે છે, જેને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ ચેરમેને સંબંધિત અધિકારીઓને સઘન વ્યવસ્થા કરવા માટે આદેશ આપ્યા છે. આ વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવા કામગીરી કરવામાં આવી રહી છે અને જરૂર જણાય ત્યાં નવી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે.

સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા અનુસાર આ વર્ષે વરસાદી માહોલ થોડો વહેલો જોવા મળ્યો છે. જેને લઈને મનપા તંત્ર પણ સતર્ક છે અને શહેરના બે મહત્વપૂર્ણ સ્થળો, માધાપર ચોકડી અને પોપટપરા નાલા ખાતે પાણી ન ભરાય તે માટે બે દિવસ પહેલા જ મેયર અને ધારાસભ્ય સાહિતનાએ રૂબરૂ મુલાકાત લઈને વધુ સચોટ કામગીરી કરવા જવાબદાર અધિકારીને આદેશ આપ્યા છે. ડીઆઈ પાઈપલાઈનની કામગીરી ચાલુ હોય ઘણા સ્થળે ખાડા કરવામાં આવ્યા હતા. આ ખાડાઓ તાત્કાલિક બુરી દેવા અને મેટલિંગ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *