રાજકોટ કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા છેલ્લા થોડા સમયમાં લેવામાં આવેલા ગુલ્ફી, ઘી અને દૂધ સહિતના 5 નમૂના લેબોરેટરી પરીક્ષણમાં ફેઇલ જાહેર થતાં ખાદ્ય પદાર્થોમાં ચાલી રહેલી બેફામ મિલાવટનો પર્દાફાશ થયો છે. આ પાંચેય નમૂનામાં વેજીટેબલ ફેટ સહિતની ભેળસેળ મળી આવી છે, જેના પગલે સંબંધિત પેઢીઓ સામે દંડનીય કાર્યવાહી માટે કેસ રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાઓના પૃથક્કરણ રિપોર્ટમાં ગુલ્ફીમાં ઓછું મિલ્ક ફેટ, ઘીમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ અને તીલ ઓઇલ) અને દૂધમાં કૃત્રિમ ફેટની હાજરી જોવા મળી છે.
ગ્રામીણ ગુડ બદામ ગુલ્ફી (વોલ્કો કયુએસઆર કંપની પ્રા.લી., મહિલા કોલેજ ચોક): આ ગુલ્ફીના નમૂનામાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી તેને સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર કરવામાં આવ્યો છે.
શુદ્ધ ઘી (શિવ એન્ટરપ્રાઇઝ, ગોંડલ રોડ હાઇવે): આ ઘીના નમૂનામાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી મળી આવતાં નમૂનો ફેઇલ ગયો છે.
બફેલો મિલ્ક લૂઝ (ઓમ સ્વીટ નમકીન મિલ્ક શોપી, વરદાન કોમ્પ્લેક્ષ, શ્રી કોલોની પાસે): બફેલો મિલ્કના આ નમૂનામાં મિલ્ક ફેટ તથા મિલ્ક સોલિડ નોટ ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવા ઉપરાંત ફોરેન ફેટની હાજરી પણ જોવા મળી છે, જેથી નમૂનો ફેઇલ થયો છે.
મિક્સ દૂધ લૂઝ (શ્રીરામ ડેરી ફાર્મ, કુવાડવા રોડ): મિક્સ દૂધના આ નમૂનામાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતાં નમૂનો ફેઇલ જાહેર કરવામાં આવ્યો છે.
મિક્સ દૂધ લૂઝ (ગોકુલ ડેરી ફાર્મ, જેનીલ પ્લાઝા, મવડી): આ મિક્સ દૂધના નમૂનામાં મિલ્ક સોલિડ નોટ ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો ફેઇલ ગયો છે.