રાજ્યની 10 હજારથી વધુ પાલિકા-પંચાયતની બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે (11 એપ્રિલે) અંતિમ દિવસ છે. ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા હોવા છતા કોંગ્રેસ દ્વારા સત્તાવાર યાદી જાહેર ન કરાતા દાવેદારોના હાર્ટબીટ વધ્યા છે. યાદી જાહેર થયા બાદ સંભવિત બળવાને ખાળવા માટે પાર્ટી દ્વારા આવતીકાલે તમામ ઉમેદવારોને મેન્ડેટ આપી સીધા ફોર્મ જ ભરાવી દેવામાં આવે તેવી શક્યતા છે. નોંધનયી છે કે, કોંગ્રેસ અત્યાર સુધીમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત, વડોદરા અને મોરબી મહાનગરપાલિકાના 243 ઉમેદવારોની એક જ યાદીની જાહેરાત કરી છે.
વિરોધની સંભાવનાના પગલે કોંગ્રેસ કાર્યાલયના બદલે અન્ય સ્થળે બેઠક યોજી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બેઠક ગુપ્ત સ્થળે કરતા હોવાથી રાજીવ ગાંધી ભવન પર કોઈ માહોલ મળી રહ્યો નથી. માત્ર બોડીગાર્ડ અને કેટલાક કાર્યકર્તાઓ જ કામગીરી કરતા જોવા મળ્યા હતા.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ અને જિલ્લા, તાલુકા અને શહેર પ્રમુખને જ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા હતા. ગુપ્ત સ્થળ પર યોજાયેલી બેઠકમાં ઉમેદવારોના નામની પંસદગી કરી લેવામાં આવી છે. ઉમેદવારોની જાહેર કરવાના બદલે સીધા મેન્ડેન્ટ આપવાનું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. નેતાઓની ખેંચતાણ અને જૂથવાદના કારણે પ્રભારીઓને મેન્ડેટ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. આજથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પ્રભારીઓ મેન્ડેન્ટની ફાળવણી કરશે.