શહેરમાં છાશવારે કળા કરી જતી રિક્ષાગેંગે વધુ એક વ્યક્તિને શિકાર બનાવી હતી. નાનામવા રોડ પર રિક્ષામાં બેઠેલા આધેડનું રૂ.17 હજારની રોકડ સાથેનું પર્સ મુસાફરના સ્વાંગમાં બેઠેલા શખ્સે તફડાવી લીધું હતું. આધેડે તેની પત્નીની દવા માટે રૂ.12 હજાર ઉછીના લીધા હતા તે રકમ પણ આ ગેંગ ઉઠાવી ગઇ હતી.
નાનામવા રોડ પર આલાપ ટ્વીન ટાવરમાં રહેતા અને નાનામવા રોડ પર જ મોબાઇલ કંપનીની દુકાનમાં નોકરી કરતાં મિતેષભાઇ જયસુખલાલ મહેતા (ઉ.વ.45)એ પર્સ ચોરી અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મિતેષભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પત્નીની દવા લેવાની હોવાથી રૂ.12 હજાર પોતાના ભાઇ પાસેથી ઉછીના લીધા હતા અને રૂ.5 હજાર પોતાની પાસે હતા તે તમામ રૂ.17 હજાર પાકીટમાં રાખ્યા હતા અને પાકીટ પેન્ટના પાછળના ખિસ્સામાં મુક્યું હતું. પાકીટમાં બેન્કનું એટીએમ કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટ હતા. મિતેષભાઇ નોકરી પર જવા ઘરેથી નીકળ્યા હતા અને રિક્ષા પસાર થતાં તેમાં બેઠા હતા, રિક્ષામાં અગાઉથી બે શખ્સ મુસાફરના સ્વાંગમાં બેઠા હતા, રિક્ષા ચાલુ થતા જ એક શખ્સે પોતાને ઉબકા આવે છે અને તેમ કહી વાંરવાર સીટ પરથી ઉઠીને ઊલટી થતી હોવાનું નાટક કર્યું હતું. તે શખ્સ વારંવાર આવું કરતો હોવાથી નાનામવા સર્કલ આવતા મિતેષભાઇએ રિક્ષા ઉભી રખાવી હતી અને તે નીચે ઉતરી ગયા હતા, મિતેષભાઇને પોતાનું પાકીટ યાદ આવતાં ખિસ્સામાં ચેક કરતાં તે પાકીટ ગાયબ હતું, રિક્ષાગેંગ જ આ ઓપરેશન પાર પાડી ગયાનું તેમને સ્પષ્ટ થતાં ફરિયાદ નોંધાવી હતી.