રાજકોટમાં રિક્ષા ગેંગને જાણે ખાખીનો ખોફ જ ન રહ્યો હોય તેમ પોલીસને ખુલ્લો પડકાર ફેકી રહી છે. એક જ દિવસમાં બે લોકોને નિશાન બનાવી 3.30 લાખના ઘરેણાં સેરવી લીધા હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં પુષ્કરધામ પાસે બોટાદના યુવકને રિક્ષામાં બેસાડી તેનો સોનાનો ચેન અને લક્કી જ્યારે બીજા બનાવમાં જ્યૂબેલી પાસે મહિલાને રિક્ષામાં બેસાડી તેમની સોનાની બે બંગડીઓ સેરવી લીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી રિક્ષા ગેગનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટના રૈયા ચોક પાસે આવેલી અમી સોસાયટીમાં રહેતા ગિરજાબેન સંજયભાઈ જીવરાજાણી નામના મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગત તા. 19 જુલાઈના જ્યૂબેલી માર્કેટમાં ખરીદી કરવા માટે ગયા હતા અને ત્યાંથી રૈયા ચોકડી આવવા માટે એક રિક્ષામાં બેઠા હતા. તેઓ રિક્ષામાં બેઠા ત્યારે રિક્ષામાં પાછળની સીટ પર એક અને ડ્રાઈવરની બાજુમાં એક શખ્સ બેઠેલો હતો. રિક્ષા લીમડા ચોક પાસે પહોંચતા ચાલકે વધુ એક શખ્સને બેસાડયો હતો. જેના હાથમાં કાળું બેગ હતું.
રિક્ષા જતી હતી ત્યારે કાળા બેગ વાળ શખ્સનું બેગ મહિલાને વારંવાર અડતુ હોવાથી મહિલાએ આ શખ્સને બેગ સરખું રાખવા કહ્યું હતું. રિક્ષા મોટી ટાંકી ચોકમાં પહોંચી ત્યારે ચાલકે રિક્ષામાં જગ્યા નથી તેમ કહી મહિલાને ઉતાર્યા હતા અને બીજા પેસેન્જરને મૂકી પોતે પરત લેવા આવશે તેવું કહ્યું હતું. પરંતુ અડધી કલાક બાદ રિક્ષા પરત ન આવતા મહિલા બીજી રિક્ષા બેસી જતાં રહ્યા હતા. અને ઘરે જઈને જોતાં તેમના હાથમાં બે સોનાની બંગડી જેની કિંમત 1.50 લાખ જોવા ન મળતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.