રાજકોટ ભકિતનગર પોલીસની ટીમે બે મહિલા સહિત 4 શખ્સોની રીક્ષાગેંગને ઝડપી પાડી છે. ભકિતનગર પોલીસનાં પેટ્રોલીંગ દરમિયાન મુસાફરોને રીક્ષામાં બેસાડી તેના ખીસ્સામાંથી રોકડ રૂપિયા તેમજ મોબાઈલ સેરવી લેતી ટોળકી કોઠારીયા રોડ પર હોવાની માહિતી મળી હતી. તેમજ થોડીવારમાં રીક્ષા નં.જીજે 03 સીટી 1639માં ચાલક ભાવેશ વાઘેલા અને તેની ટોળકી કોઠારીયા રોડ, સ્વીમીંગ પુલની સામેથી પસાર થવાના હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે વોચ ગોઠવી રીક્ષા ચાલક ભાવેશ ગુંગા વાજેલીયા, કિશન મગન ડાભી તેમજ બેનાબેન રાહુલ દંતાણી અને હીના ઉર્ફે ડેભી ધર્મેશ જાદવ સહિતનાની રીક્ષાગેંગને પકડી પાડી હતી. તેમજ રીક્ષા સહિત રૂા.40 હજારનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રીઢા બાઈક ચોરને ઝડપી પાડ્યો હતો. રાહુલ ઉર્ફે ટકો અશોક વિકાણી (ઉ.વ.23) નામનો આ શખ્સ લોક કર્યા વિનાના બાઈક ચોરી કરીને ફેરવતો હતો. બાદમાં પેટ્રોલ પૂરું થાય ત્યાં મૂકી દેતો હતો. હાલ પોલીસે ચોક્કસ બાતમીના આધારે આરોપીને 3 બાઈક સાથે દબોચી લીધો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરૂદ્ધ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ મથકમાં 13 વાહનચોરી અને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં એક વાહન ચોરીનો ગુનો નોંધાયેલ છે. જેને લઈને પોલીસે આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.