યાંત્રિક રાઇડ્સના ભાડા વધારવાનો ભાવ નિયમન સમિતિનો નિર્ણય રદ

રાજકોટના રેસકોર્સના મેદાનમાં યોજાનાર ભાતીગળ લોકમેળામાં વહીવટી તંત્ર લોકોની સલામતી માટે અનેક પગલાં લઇ રહ્યું છે ત્યારે સાથોસાથ લોકોના ખિસ્સા પર ભારણ ન વધે તે દિશામાં પણ વિચારણા કરી રહ્યાનું પ્રકાશમાં આવ્યું છે. લોકમેળામાં યાંત્રિક રાઇડ્સના ટિકિટના ભાવમાં ભાવ નિયમન સમિતિએ આપેલો 12થી 16 ટકાનો વધારો કલેક્ટરએ ફગાવી દઇ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત આપતો નિર્ણય લીધો છે.

રાજકોટ પ્રાંત કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવ નિયમન સમિતિએ લોકમેળામાં મોંઘવારીને ધ્યાનમાં લઇને નાની યાંત્રિક રાઇડ્સનું ભાડું રૂ.30 પરથી વધારીને રૂ.35 અને મોટી રાઇડ્સનું ભાડું રૂ.40 પરથી વધારીને રૂ.45 કરી આપ્યું હતું. જે મંજૂરી માટે જિલ્લા કલેક્ટર સમક્ષ ફાઇલ આવતા જ પ્રભવ જોશીએ ‘એક પરિવાર રાઇડ્સમાં બેસે તો રૂ.200થી 300 વપરાય જાય, તે ન પોષાય’ તેમ ઠરાવી ભાડા વધારાનો નિર્ણય રદ કર્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકમેળાના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રીને આમંત્રિત કરાશે. તેમજ યાંત્રિક રાઇડ્સના સંચાલકો સાથે જરૂર જણાયે બેઠક યોજી તેમની રજૂઆત સાંભળવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *