ગોંડલના દેરડી કુંભાજી ગામે રહેતા શિક્ષિકા બહેનોએ કેશોદના રેવદ્રા ગામના શિક્ષકને પરિચયના નાતે કટકે કટકે રૂ.1 કરોડ આપયા હતા. તે રકમ અા શિક્ષકે પરત કરી નહોતી એટલું જ નહીં શિક્ષિકા બહેનોને રોકાણના નામે રાજકોટમાં મકાન ખરીદ કરાવ્યું હતું અને તે મકાનના વેરા અને વીજબિલ પોતાના નામે કરાવી મકાન પચાવી પાડવાનો ખેલ પણ કર્યો હતો.
દેરડી કુંભાજી ગામે રહેતા નિર્મળાબેન રવજીભાઇ ગોળ (ઉ.વ.46)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાલ રાજકોટના જીવરાજપાર્ક મેઇન રોડ પરના રંગ રેસિડેન્સીમાં રહેતા કેશોદના રેવદ્રા ગામના રામદેવ માલદે કછોટનું નામ આપ્યું હતું. નિર્મળાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ત્રણ બહેનોમાં નાના છે, ત્રણેય અપરિણીત છે, મોટાબેન સરોજબેન જેતપુરના મેવાસા ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને નિર્મળાબેન પણ શિક્ષિકા છે, સરોજબેન અગાઉ ગોંડલ નૂતન કન્યા વિદ્યાલયમાં નોકરી કરતા હતા ત્યારે તેમની સાથે નોકરી કરતાં શિક્ષક રામદેવ માલદે કછોટ સાથે પરિચય થયો હતો.
17 વર્ષના પરિચયમાં રામદેવ વિશ્વાસ જીતીને બંને શિક્ષિકા બહેનો પાસેથી કટકે કટકે પૈસા ઉછીના લઇ જતો હતો. વર્ષ 2021થી 2022 દરમિયાન રામદેવ રૂ.1,07,25,000 લઇ ગયો હતો.વર્ષ 2022માં રામદેવે નિર્મળાબેન અને સરોજબેનને કહ્યું હતું કે, રાજકોટમાં રંગ રેસિડેન્સીમાં એક મકાન ખરીદવા લાયક છે, નિર્મળાબેને બેંકમાંથી હોમલોન લઇ આ મકાન ખરીદ કર્યું હતું. લોનની રકમમાંથી રામદેવ રૂ.7 લાખ લઇ ગયો હતો અને બદલામાં લોનનો હપ્તો તે ભરતો હતો.