રાજકોટના જંકશન પ્લોટ પાછળ આવેલા હંસરાજનગર વિસ્તારમાં લોકો ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત બન્યા છે. છેલ્લા દોઢેક વર્ષથી અહીં ગંદુ પાણી આવતું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. તેમજ વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવતો ન હોવાનું જણાવ્યું છે. નેતાઓ મત લેવા આવે છે પણ કામ કરતા નહીં હોવાનો આક્રોશ પણ આ વિસ્તારની મહિલાઓએ ઠાલવ્યો હતો. તેમજ વર્ષો જૂની પાણીની લાઇન બદલી સમસ્યાનો કાયમીમી ઉકેલ લાવવા માગ કરવામાં આવી હતી.
પાણી વાપરવા લાયક પણ હોતું નથીઃ મીનાબેન આ વિસ્તારમાં રહેતા મીનાબેન રાવલે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ગટર કે ડ્રેનેજનું પાણી ભળી જવાને કારણે છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી ગંદા પાણીની સમસ્યા છે. અહીં દરરોજ પાણી આવે છે પરંતુ ખૂબ જ દુર્ગંધયુક્ત અને મેલુ હોવાને કારણે વાપરવા લાયક પણ હોતું નથી. તો પીવામાં ઉપયોગ કરવાનો સવાલ જ નથી. ગંદા પાણીને કારણે અવારનવાર અમારા બાળકો બીમાર પડે છે. આ કારણે છેલ્લા દોઢેક વર્ષ કરતા વધુ સમયથી આ પાણી પીવાનું બંધ કરવું પડ્યું છે.