રાજકોટનાં આનંદનગર ક્વાર્ટર્સનાં રહેવાસીઓ દ્વારા આજે મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં હાઉસિંગ બોર્ડ દ્વારા આપવામાં આવેલી નોટિસ સામે સહાનુભૂતિ પૂર્વક માનવીય અભિગમ અપનાવવા માંગ કરવામાં આવી હતી. આ માટે ક્વાર્ટર્સ ધારકોને રિપેરિંગ માટે ત્રણ મહિનાનો સમય આપવા, તેમજ આ સમય દરમિયાન નળ કે વીજ જોડાણ નહીં કાપવા અને તમામ ક્વાર્ટરને બદલે માત્ર ક્ષતિગ્રસ્ત હોય તે ક્વાર્ટર્સનું રિપેરિંગ કરાવવા સહિતની વિવિધ માંગ કરવામાં આવી હતી. સાથે ચોમાસામાં કોઈ દુર્ઘટના ન બને તે માટે સંપૂર્ણ સતર્ક રહેવાની ખાતરી આપી હતી. જોકે, આ અગાઉ મનપાએ દૂધસાગર રોડનાં ક્વાર્ટર્સ ખાલી કરાવ્યા છે. ત્યારે હવે આનંદનગરનાં રાગેવાસીઓને આવી વિશેષ છૂટ આપવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.
રાજકોટની રૂડા કચેરીએ આજે કોંગ્રેસનાં શહેર પ્રમૂખ અતુલ રાજાણી સહિતનાં આગેવાનો ફાયર સેફ્ટીને લઇ રજૂઆત માટે પહોંચ્યા હતા. જોકે, આ કચેરીમાં તો અગ્નિશામક યંત્રો હતા. આ સમયે ચીફ એક્ઝિક્યુટિવ એન્જિનિયર જી. વી. મિયાણીને રજૂઆત કરતા જણાવ્યું કે, શા માટે તમામ ખાનગી સંકુલો સહિતની કચેરીને ડાયરેક્ટ સીલ કરી દેવામાં આવે છે. રૂડા કચેરીને સીલ કરી દેવી જોઈએ. આ સમયે મિયાણીએ જણાવ્યું હતું કે, 108 કચેરી રૂડા દ્વારા સીલ કરવમાં આવી હતી. જેમાંથી 47 કચેરીના સીલ ખોલી દેવામાં આવ્યા છે. જેમાં મોટાભાગે શૈક્ષણીક સંકુલો છે, જેમની સામે પણ નોટિસ બાદ જ કાર્યવાહી કરવામાં આવેલી છે.