હોર્ડિંગ્સ બોર્ડ મુદ્દે કરેલી કામગીરીનો રિપોર્ટ માગ્યો

રાજકોટ શહેરમાં ગત સપ્તાહે 65થી 70 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા મિનિ વાવાઝોડાએ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. શહેરમાં કિસાનપરા ચોક અને 41-જાગનાથમાં બે મોટા હોર્ડિંગ ધરાશાયી થયા હતા અને ત્યારબાદ પણ એડ એજન્સીઓ સામે કોઇ પગલાં લેવામાં ન આવ્યા હોય રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને મનપાના હદ વિસ્તારમાં આવેલા હોર્ડિંગ્સ બોર્ડનું પ્રિ-મોન્સૂન ચેકીંગ કરાયું છે કે કેમ ? જો પ્રિ-મોન્સૂન ચેકિંગ કરાયું હોય તો તેમાં શું કામગીરી કરાઇ છે? કેટલાને ક્યાં કારણોસર નોટિસ અપાઇ છે? કેટલાને નોટિસ આપવાની બાકી છે તેની વોર્ડ વાઇઝ વિગતો માગી છે.

રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર તેમજ યાજ્ઞિક રોડ ઉપર બે હોર્ડિંગ રોડ પર ખાબક્યા હતા. તે કઇ એજન્સીના હતા, તેની સામે શું પગલાં લેવાયા? પગલાં લેવાયાની વિગતો જાહેર કેમ ન કરાઇ? તે જણાવશો. હોર્ડિંગ્સ બોર્ડ ખૂબ જ જોખમી વસ્તુ છે. આગામી ચોમાસા દરમિયાન શહેરમાં આવેલા અન્ય હોર્ડિંગ બોર્ડ રોડ પર નહીં પડે તેની ગેરંટી કમિશનર આપી શકે તેમ છે ખરા? તેવો સવાલ કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ ઉઠાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *