હાલ ચોમાસાની સિઝનમાં ગુજરાતભરમાં ખૂબ સારી મેઘમહેર વરસી છે. જોકે, રાજકોટ શહેર ઉપર મેઘરાજા નારાજ હોય તેમ જોઈએ તેવો વરસાદ હજુપણ પડ્યો નથી. જેને કારણે ભરચોમાસે પણ રાજકોટને નર્મદાનો સહારો લેવો પડે તેમ છે. જોકે, હાલ રાજકોટના આજી અને ન્યારી ડેમમાં દોઢેક મહિનો ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. છતાં સાવચેતીના ભાગરૂપે મનપા દ્વારા આજી-1 ડેમમાં 400 તેમજ ન્યારી ડેમમાં 350 મળી કુલ 750 MCFT પાણી આપવા રાજ્ય સરકારને પત્ર લખી માંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ઉપર હજૂ જોઈએ તેવી મેઘકૃપા વરસી નથી. જેને કારણે જળાશયોમાં ખાસ નવા નીર ન આવતા મનપાની ચિંતા વધી છે. ઓગસ્ટ માસના અંતમાં સૌની યોજનાથી વધુ 750 એમ.સી.એફ.ટી. (મિલીયન ક્યુબિક ફૂટ) નર્મદા નીરની માગણી કરતો પત્ર લખાયો છે. રાજકોટના આજી-1 ડેમમાં હાલમાં 388 MCFT અને ન્યારી-1માં હાલ 382 MCFT નીર છે. જે આગામી દોઢ માસ ચાલી શકે તેમ છે. છતાં નર્મદાના નીર માગવા માટે પુરતો સમય આપવો જરૂરી હોવાથી વરસાદની રાહ જોયા વગર મનપાએ સરકારને પત્ર પાઠવ્યો છે.