રાજકોટ સહિત રાજ્યભરમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો કરતાં કોલેજોના અધ્યાપક સહાયકોનો પગાર ઓછો હોવા મામલે આજે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કોંગી સેનેટ સભ્ય ડૉ. નિદત બારોટે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે. રાજ્યનાં 3 હજાર જેટલા અધ્યાપક સહાયકોના ઓછા પગારનો પ્રશ્ન આ નેતાએ ઉઠાવ્યો છે. 5 વર્ષનાં ફિક્સ પે પરના ગ્રાન્ટેડ શાળાઓના અધ્યાપક સહાયકોનો પગાર શાળાઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકો કરતા પણ ઓછો છે તે આશ્ચર્યજનક હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યમાં કોલેજોમાં અધ્યાપક સહાયકોની ભરતી કરવામા આવે છે. અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકોને છેલ્લા 8 વર્ષથી અધ્યાપક સહાયકોને માસિક રૂ.40,156નો પગાર આપવામા આવે છે. જયારે માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોનો પગાર અધ્યાપક સહાયકો કરતા પણ વધારે છે. ગુજરાતમાં આ કેવું ચાલતું હશે તેનું ઉદાહરણ અધ્યાપક સહાયકો ભોગવી રહ્યા છે. છેલ્લા સાત વર્ષથી પગારમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી ગુજરાતમાં 2500થી 3000 જેટલા અધ્યાપક સહાયકો પગાર વધારાની રાહ જોઇ રહ્યા છે. NET અને SLET જેવી અઘરી ગણતી પરીક્ષા પાસ કરી નોકરી મેળવતા અધ્યાપક સહાયકોની મુશ્કેલી દૂર થાય તે માટે મૃદુભાષી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી છે.