ગોંડલ ચોકડી નજીક પ્રેમવતી રેસ્ટોરન્ટમાં શરત ભંગ થતી હોવાનો રિપોર્ટ પ્રાંત અધિકારીએ કલેક્ટરને સોંપ્યો છે. બીએપીએસ સંસ્થા દ્વારા હેતુફેર કર્યા વિના પ્રેમવતી રેસ્ટોરન્ટ ગાર્ડન બનાવી દીધાનું તપાસમાં ખુલ્યું હતું. હવે આ પ્રકરણમાં આગળની કાર્યવાહીના આદેશ કલેક્ટર તરફથી મળશે ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કલેક્ટર તંત્ર દ્વારા વર્ષો પૂર્વે ઔદ્યોગિક હેતુ માટે સરવે નંબર 38 પૈકી 1ની 10 હજાર ચોરસ મીટર જમીન ઔદ્યોગિક હેતુ માટે ફાળવવામાં આવી હતી, પરંતુ આ જમીન પર બીએપીએસ સંસ્થા દ્વારા હેતુફેર કર્યા વિના આ જગ્યા પર પ્રેમવતી રેસ્ટોરન્ટ ગાર્ડન ઊભું કરી દીધાનું હોવાનું મામલતદારની તપાસમાં ખુલ્યું હતું.
આમ, તાલુકા મામલતદારની તપાસમાં આ પ્રકરણમાં શરતભંગ થઇ હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ ફરી વખત શરતભંગના આ પ્રકરણમાં પૂતર્તા કરતો રિપોર્ટ તાલુકા મામલતદારે પ્રાંત અધિકારીને સોંપ્યો છે. તાલુકા મામલતદાર તરફથી મળેલ રિપોર્ટનો રિવ્યૂ કરીને પ્રાંત અધિકારીએ કલેક્ટરને સોંપી દીધો છે. ત્યારે હવે આ પ્રકરણમાં કલેક્ટર શું કાર્યવાહી કરે છે તે તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે.