નવરાત્રિના પર્વમાં શુભમુહૂર્ત ગણાતું હોય છે અને તે સમયે લોકો નવા વાહનોની ખરીદી કરતા હોય છે. ત્યારે રાજકોટ આરટીઓમાં આ વર્ષે નવરાત્રિના નવ દિવસ અને દશેરાનો એક દિવસ એમ મળી કુલ 10 દિવસમાં 4,198 વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. જેમાં સૌથી વધુ ટુ વ્હીલર એટલે કે, મોટરસાયકલનું રજિસ્ટ્રેશન જોવા મળ્યું છે. નવરાત્રિના પર્વમાં રાજકોટના 3,003 લોકોએ ટુ વ્હીલરની ખરીદી કરી છે, તો 697 કાર પણ ખરીદવામાં આવી છે.
રાજકોટ આરટીઓના ઇન્ચાર્જ આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન આરટીઓમાં નવા વાહનોની ખરીદી રજિસ્ટ્રેશન સારું એવું જોવા મળ્યું છે. જેમાં 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી એટલે કે, નવરાત્રિના નવ દિવસ અને દશેરા એમ મળી 10 દિવસમાં 4,198 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. જેમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર ઉપરાંત ખેતીમાં ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટર તો ગુડઝ કેરિયર, થ્રી વ્હીલર પેસેન્જર અને ગુડઝ વાહનોની સાથે એમ્બ્યુલેશન અને બસનું પણ રજિસ્ટ્રેશન થયું છે.