ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને સેક્શન ઓફિસર સહિત પાંચ મહત્ત્વના પદો પર ભરતી પ્રક્રિયા શંકાસ્પદ રીતે હાથ ધરીને યુનિવર્સિટીમાં જ કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓની નિમણૂક કરાઈ છે. આખી પ્રક્રિયા શંકાસ્પદ હતી જેની તપાસ કરીને પોતાના મળતિયાઓને ગોઠવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેને લઈને ઉચ્ચ શિક્ષણ વિભાગે તપાસના આદેશ કર્યા હતા. તપાસ કમિટીની રચના થયા બાદ કેટલાક ઉમેદવારોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. જોકે હવે તપાસ પૂર્ણતાને આરે હોવાથી સપ્તાહમાં રિપોર્ટ આપી દેવાશે.
ભરતી પ્રક્રિયામાં રહેલી ક્ષતિઓ કે જે ઈરાદાપૂર્વક રાખવામાં આવી હતી તે તમામ મુદ્દાસર બહાર આવ્યા હતા. જે મામલે તપાસ કમિટીએ ઉમેદવારોના નિવેદન લીધા હતા તેમજ પસંદ થયેલા અને પદ અપાયા છે તેમની પણ પૂછપરછ કરી હતી. ભરતી પ્રક્રિયામાં સામેલ કર્મચારી અને અધિકારીઓ પાસેથી વિગતો મેળવવામાં આવી છે. છેલ્લે ઈન્ચાર્જ રજિસ્ટ્રાર અનિલ ગોરનું પણ નિવેદન માગવામાં આવ્યું હતું જે મળી જતા હવે સમિતિએ તમામ પુરાવાઓ અને નિવેદનોના આધારે રિપોર્ટ બનાવવાનું શરૂ કર્યું છે અને તે રિપોર્ટ એકાદ સપ્તાહમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરને સોંપવામાં આવશે અને તે સરકારમાં જઈને આ કૌભાંડ અંગે નિર્ણય લેવામાં આવશે.