સૌરાષ્ટ્ર-ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વિવિધ જણસીઓની આવક થતી હોય છે. ત્યારે ગત સાંજના માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનાં પ્રખ્યાત લાલ ચટાક મરચાંની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં સાનિયા, રેવા, 702, સિજેન્ટા અને ઓજસ પ્રજાતિનાં મરચાંની અંદાજે 50 હજાર ભારીની આવક નોંધાઈ છે. યાર્ડમાં ઓનલાઈન મરચાંના રજિસ્ટ્રેશનમાં 500 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા.
સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી, એટલે કે રાજકોટ જિલ્લો, જામનગર, જૂનાગઢ જિલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલ તીખાં મરચાંને લઈને જાણીતું છે. અહીંનું મરચાં તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. ગોંડલ યાર્ડમાં આજરોજ અંદાજે મરચાંની 50 હજાર ભારીની આવક થવા પામી હતી. હરાજીમાં મરચાંના સરેરાશ 20 કિલોના ભાવ 2000/-થી 4700/- રૂપિયા સુધી બોલાયા હતા.