ટ્રાફિક બ્રિગેડ તરીકે માનદ સેવા આપવા ઇચ્છતા પુરુષ તથા મહિલા મળી કુલ 23 ઉમેદવારની રાજકોટ જિલ્લાની ચાર નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક નિયમનની કામગીરી માટે ભરતી કરાશે. જેમાં ગોંડલ નગરપાલિકામાં 08, જેતપુર નગરપાલિકામાં 11 અને ધોરાજી નગરપાલિકામાં 04 એમ કુલ 23 મહેકમ (જગ્યા) ખાલી પડેલી હોવાથી માનદ સેવકોની ભરતી આગામી એપ્રિલ માસમાં યોજાશે. ઉમેદવારની લાયકાત ઉંમર 18થી 35 વર્ષ, ધોરણ 10 પાસ, પુરુષ ઉમેદવાર માટે ઊંચાઇ 5 ફૂટ 6 ઇંચ, મહિલા ઉમેદવાર માટે ઊંચાઇ 5 ફૂટ તેમજ પુરુષ ઉમેદવાર માટે દોડ 4 મિનિટમાં 800 મીટર અને મહિલા ઉમેદવાર માટે દોડ 2.5 મિનિટમાં 400 મીટર પૂર્ણ કરવાની રહેશે.
પસંદ થયેલા ઉમેદવારને માનદ સેવા પેટે તેઓની ફરજની જગ્યા પર આવવા-જવા માટે ખર્ચ પેટે તેમજ ચા-નાસ્તા પેટે પ્રતિ દિવસ રૂ.300 રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવશે. ઉમેદવારો ચરખડી પાટિયા પાસે, ગોમટા ટ્રાફિક પોલીસ સ્ટેશન, ગોંડલ સિટી એ ડિવિઝન, ગોંડલ સિટી બી ડિવિઝન, જેતપુર સિટી પોલીસ સ્ટેશન, જેતપુર ઉદ્યોગનગર અને ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતેથી આ ભરતી અંગેના ફોર્મ મેળવી શકશે. ફોર્મ તા.15 માર્ચથી તા.23 માર્ચ સુધી મળશે અને 30 માર્ચ સુધીમાં જમા કરાવવાના રહેશે.