રાજકોટ શહેરમાં મામુલી વરસાદમાં ઠેર-ઠેર ખાડારાજ જેવો માહોલ સર્જાયો હતો. મીડિયા મારફત આ અંગે જાણ થતાં ખુદ મુખ્યમંત્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં આ માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. અને રાઉન્ડ ધી કલોક કામગીરી કરવાનાં આદેશો આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત રાજકોટનું મનપા તંત્ર પણ અંતે જાગ્યું છે. તેમજ વરસાદ બાદ શહેરના માર્ગો પર રિકાર્પેટિંગ અને પેચવર્ક કાર્ય રાઉન્ડ ધી કલોક કરવામાં આવી રહ્યું છે. બે દિવસથી મોડીરાત્રે 12 વાગ્યા સુધી ત્રણેય ઝોનનાં ડે. કમિશ્નર ફિલ્ડમાં રહી કામ કરાવી રહ્યા છે. અને પદાધિકારીઓને રિપોર્ટ આપી રહ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં 150 ફૂટ રિંગરોડ, માધાપર ચોકડી, કોઠારીયા રોડ, મવડી સહિત અનેક વિસ્તારોમાં મામુલી વરસાદમાં મસમોટા ખાડા પડયા હતા. તેમજ ઉમિયા ચોક વિસ્તારમાં સ્પીડબ્રેકર પણ સામાન્ય વરસાદમાં ખસી ગયું હતું. આ અંગે મીડિયા દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવતા છેક સીએમ કાર્યાલય સુધી તેના પડઘા પડ્યા હતા. માત્ર રાજકોટ નહીં ગુજરાતમાં અનેક સ્થળે ખાડારાજ હોવાનું સામે આવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાકીદે બેઠક બોલાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારો તેમજ નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ, પંચાયત હસ્તકના માર્ગોની હાલની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. રાજ્યના તમામ મ્યુનિસિપલ કમિશનરો આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. સીએમએ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ જોવી ન જોઈએ. વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રીપેરીંગ કામગીરી ચાલુ જ રહે તેવા આદેશ મુખ્યમંત્રીએ બેઠકમાં આપ્યા હતા.