RDCના વર્તમાન શાસકોની ટર્મ પૂરી પણ ચૂંટણી નહીં જ યોજાય, મુદત એક વર્ષ વધારવા દરખાસ્ત

સૌરાષ્ટ્રના રાજકારણમાં અને બેન્કના ક્ષેત્રમાં મોટું નામ ધરાવતી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કની વર્તમાન બોડીની ગત 14મી જુલાઇએ મુદત પૂર્ણ થઇ ગઇ હોવા છતાં ચૂંટણી જાહેર ન કરાતા સહકારી આગેવાનોમાં છાનેખૂણે કચવાટ પ્રસરી ગયો છે ત્યારે ત્રણ મહિના સુધી ડિસ્ટ્રિક્ટ બેન્કના સત્તાધીશો સાથે ‘પૂર્તતા..પૂર્તતા’નો ખેલ ખેલનાર જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ચૂંટણી જાહેર કરવા જિલ્લા કલેક્ટરને દરખાસ્ત કરવાના બદલે બેન્કની વર્તમાન બોડીની મુદત એક વર્ષ વધારવા માટે સહકાર વિભાગમાં દરખાસ્ત કરતાં અને ચૂંટણી યોજવા મંજૂરી માગતાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.

રાજકોટ જિલ્લાના સહકારી આગેવાનો વચ્ચે થોડા સમય પહેલાં સમાધાન થયું હોવાથી હાલમાં આંતરિક ઘૂઘવાટ ખદબદી રહ્યો છે અને ગમે ત્યારે તે સપાટી પર આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. રાજકોટ જિલ્લા બેન્કમાં છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી રાદડિયા જૂથનું વર્ચસ્વ છે. રાજકોટ જિલ્લાના રાજકારણમાં પકડ ધરાવતી અને ખાસ કરીને સહકારી ક્ષેત્રે ભારે દબદબો ધરાવતા જિલ્લા બેન્કના વર્તમાન બોડીની મુદત ગત 14 જુલાઇએ પૂરી થઇ ગયા બાદ હજુ સુધી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ ન થતાં સહકારી ક્ષેત્રમાં ચણભણાટ શરૂ થઇ ગયો છે.

આ મુદ્દે જિલ્લા રજિસ્ટ્રાર બિમલ પટેલનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કના વર્તમાન બોડીની મુદત એક વર્ષ વધારવા બે મહિના પહેલાં ગાંધીનગર દરખાસ્ત મોકલી છે અને સાથોસાથ ચૂંટણી યોજવાની મંજૂરી પણ માગવામાં આવી છે, પરંતુ હજુ સુધી સહકાર વિભાગમાંથી અમને કોઇ જવાબ મળ્યો નથી. ગાંધીનગર અમારી વડી કચેરી દ્વારા ચૂંટણી યોજવાની મંજૂરી અપાશે ત્યારબાદ જિલ્લા કલેક્ટરને બેન્કની ચૂંટણી યોજવા દરખાસ્ત કરાશે અને ત્યારબાદ જાહેરનામું બહાર પડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *