RBI મીટિંગમાં વ્યાજ દરમાં ફેરફારની શક્યતા ઓછી

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક 6-8 એપ્રિલના રોજ યોજાવાની છે. બજારને આશા હતી કે આ વખતે કદાચ વ્યાજ દરોમાં થોડી રાહત મળશે, પરંતુ પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા) માં વધતા તણાવે સમીકરણો બદલી નાખ્યા છે.

SBI રિસર્ચના હાલના રિપોર્ટ અનુસાર,ગ્લોબલ અનિશ્ચિતતા અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉછાળાને જોતા RBI હાલમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરશે નહીં. આ પહેલા ફેબ્રુઆરીમાં થયેલી મીટિંગમાં પણ વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો ન હતો. હાલમાં વ્યાજ દર 5.25% પર છે.

SBI રિસર્ચના રિપોર્ટમાં જણાવાયું છે કે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વધતા સંઘર્ષે સમગ્ર વિશ્વને સંકટમાં મૂકી દીધું છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવા જેવી સ્થિતિથી ગ્લોબલ ઓઇલ માર્કેટમાં 1973 પછીનો સૌથી મોટો અવરોધ ઊભો થયો છે. યુદ્ધની શરૂઆત પછી આ પ્રથમ પોલિસી સમીક્ષા છે, તેથી RBI ખૂબ જ સાવચેતીપૂર્વક પગલાં લેશે.

ડોલર સામે રૂપિયો 93ને પાર, વધશે ‘ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન’

ભારત આ વૈશ્વિક સંકટથી બહાર નથી. ક્રૂડ ઓઇલના ભાવ $100 પ્રતિ બેરલથી ઉપર રહ્યા છે, જેના કારણે ભારતમાં ‘ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન’ (આયાતી મોંઘવારી) વધી રહી છે.

રિપોર્ટ અનુસાર, ડોલર સામે રૂપિયો 93ના સ્તરને પાર કરી ગયો છે. આ સાથે ‘સુપર અલ નીનો’નો ખતરો પણ યથાવત છે, જે આવનારા સમયમાં મોંઘવારીની સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *