સ્વચ્છતામાં 29માં ક્રમે ધકેલાયા બાદ મનપા કમિશ્નર દ્વારા સ્વચ્છતા મુદ્દે વધુ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જાહેરમાં ગંદકી ફેલાવતા એકમો સીલ કરવામાં આવી રહ્યા છે. આજે ફરી એક દુકાનને આ બાબતે સીલ મારી દેવામાં આવી હતી. આનંદ બંગલા ચોક પાસે આવેલ રવેચી ટી સ્ટોલ દ્વારા જાહેરમાં ગંદકી કરવામાં આવતી હોવાનું ધ્યાને આવતા તેને દંડ ફટકારી નોટિસ આપવામાં આવી હતી. જોકે, આ છતાં સ્વચ્છતા માટે ચોક્કસ પગલાં નહીં લેવામાં આવતા આજે દુકાનને સીલ કરવામાં આવી છે.
જાહેરમાં ગંદકી કરનારા સામે પગલાં લેવાશેઃ મ્યુ. કમિશ્નર
આ અંગે મ્યુ. કમિશ્નર આનંદ પટેલે જણાવ્યુ હતું કે, જાહેરમાં સ્વચ્છતા નહીં જાળવવા બદલ શહેરનાં આનંદ બંગલા ચોક નજીક આવેલ રવેચી ટી સ્ટોલને સીલ કરાઈ છે. જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસન્સ ફેલાવતા હોવાથી દુકાન સીલ કરી દૈવામાં આવી હતી. મનપા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે અભિયાનમાં લોકો પણ સહભાગી થઈ નૈતિક ફરજ બજાવે તે જરૂરી છે. જાહેરમાં ગંદકી કરતા લોકો સામે અગાઉ અનેકવાર પગલાં લેવાયા છે, આમ છતાં ક્યાંક કેટલાક લોકો હજુ પણ ભૂલ કરતા રહે છે.