રાજકોટમાં 7 જુલાઈને રવિવારના રોજ અષાઢી બીજના દિવસે જગન્નાથ રથયાત્રા છે. શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવશે. આ વર્ષે રથયાત્રાને લઇને રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સાડા ત્રણ ફૂટના ભગવાન જગન્નાથજી, ભાઈ બલદેવજી અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળશે. જેમાં રથના પૈડાં જ 7 ફૂટના હશે.
આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે, વામન પુરાણમાં જણાવાયું છે કે જે કોઈ વ્યક્તિ ભગવાન જગન્નાથના રથનું દોરડું ખેંચે છે અથવા દોરડાને સ્પર્શ પણ કરે છે તો તેના જન્મો જન્મના પાપ નષ્ટ થાય છે. જે કોઈ પણ રથ પર બિરાજેલા ભગવાન જગન્નાથના એક વાર પણ દર્શન કરે છે તેનો પુનર્જન્મ થતો નથી. આ વર્ષે રથયાત્રાની ઉજવણી ખૂબ જ ધામધૂમથી અને હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવવામાં આવશે. ઉજવણીની તૈયારીના ભાગ રૂપે મંદિરને આકર્ષક લાઈટથી શણગારવામાં આવેલ છે. ભગવાનના રથને ફૂલોની લારથી શણગારવામાં આવશે અને રાત્રે ભગવાનના રથ પર દર્શન સારી રીતે થઇ શકે એ હેતુથી રથને વિશેષ લાઈટ દ્વારા રોશનીયુક્ત કરવામાં આવશે.