વર્ષ 2018માં ધોરણ 10ની પરીક્ષા આપવા જતી સગીરાને જિજ્ઞેશ મુકેશ યાદવ નામના શખસે પોતાના મોબાઈલ નંબરની ચીઠ્ઠી ફેકી પરાણે મિત્રતા કરી હતી. બાદમાં પોતાના રૂમે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. આથી જિજ્ઞેશ વિરૂદ્ધ પોલીસમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. આ કેસ પોક્સોની ખાસ અદાલતમાં ચાલતા કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ રૂ. 7 લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.
આરોપીએ પરાણે શરીર સંબંધ બાંધ્યો હતો
સ્કૂલે આવતી-જતી સગીરાને પોતાના મોબાઈલ નંબર આપી ચીઠ્ઠીઓ ફેંકવાનું શરૂ કરી આરોપીએ સગીરા સાથે પ્રાથમિક વાતચીતની શરૂઆત કરી હતી. ત્યારબાદ મિત્ર હોવાના નાતે તા.7.7.2018ના રોજ સગીરાને પોતાના મોટર સાયકલ ઉપર પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં આ સગીરાની મરજી વિરૂદ્ધ આરોપીએ પરાણે શરીર સંબંધ બાંધ્યો હતો. આ ગુનાની ફરિયાદ સગીરાની માતાએ 20 દિવસ બાદ આપી હતી. જે બાદ પોલીસ તપાસ દરમિયાન તપાસનીશ અમલદારે જુદા-જુદા સાહેદોના નિવેદનો નોંધ્યા હતા. તેમજ આરોપી અને ભોગ બનનાર બંન્નેના મેડિકલ પરીક્ષણ કરાવી તબીબી રિપોર્ટ મેળવ્યો હતો. પોલીસ તપાસના અંતે આરોપીએ ગુનો આચર્યા અંગેના પૂરતા પૂરાવા જણાય આવ્યા હોય પોલીસે આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી.
સરકારી વકીલે શું દલીલ કરી?
સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજૂઆત કરી હતી કે, 16 વર્ષની સગીરા પાસેથી પુખ્ત વયની સ્ત્રી જે પ્રકારે સમજદારી બતાવી શકે તેવી અપેક્ષા રાખી શકાય નહીં. ધોરણ 10માં ભણતી સગીરા ઉપર જે વીતેલી હોય તે આપવીતીનું વર્ણન બનાવના દિવસે જ સગીરાએ કરવું જોઈએ તેવી કોઈ અનિવાર્યતા પોક્સોના કાયદા હેઠળ રાખવામાં આવી નથી. દુષ્કર્મના બનાવના દિવસો બાદ કોઈ સ્કૂલે જતી સગીરા હિંમત એકઠી કરી પોતાની માતાને બનાવ અંગેનું વર્ણન કરી શકે. આવા બનાવની ફરિયાદ કરવા માટે પણ સગીરાને હિંમત આપવી જરૂરી બનતી હોય છે.
આરોપીને દોષિત જાહેર કરી સજા ફટકારી
આ મુજબ જ્યારે સગીરાની માતાને બનાવની જાણ થઈ ત્યારે માતાએ આરોપીએ પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે સગીરાની ઉલટ તપાસ દરમિયાન મહત્વના વિરોધાભાસોથી તેમજ ખોટી ફરિયાદ અંગેના કારણો રેકર્ડ ઉપર લાવવા જોઈએ. આ મુજબની કોઈ હકિકત આરોપી તરફે રેકર્ડ પર લાવવામાં આવેલ નથી. આરોપીના વિર્ય કે લોહીના નમૂના મળી આવવા તે પૂરાવો છે પરંતુ તે સમર્થનકારી પૂરાવો છે, એક માત્ર પુરાવો નથી. સરકાર તરફેની આ તમામ દલીલોના અંતે પોક્સો કોર્ટના જજ જે.ડી. સુથારે આરોપીને પોક્સોની કલમ 4 અને 8 તથા IPCની કલમ 376 હેઠળ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને સગીરાને રૂપિયા 7 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ ફરમાવ્યો છે.