રાજકોટ NIFD (નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઈન) ઇન્સ્ટિટ્યૂટ છેલ્લાં 20 વર્ષથી કાર્યરત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ NIFDના ફેશન ડિઝાઈનના સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના 40થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઈન અને તૈયાર કરાયેલાં આઉટફિટનો ફેશન શો રાજકોટ ખાતે યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઈન કરાયેલા અકલ્પનીય પોશાકો મુંબઇની ફેશન મોડલ્સ દ્વારા રેમ્પ પર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને તેમની પ્રશંસા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ફેશન શોમાં મોડલની સાથે 45થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ફ્યુચરિસ્ટિક થીમ પર લાઇટવાળાં ગારમેન્ટ્સ તથા કચ્છના NGO સાથે મળી વેસ્ટ ફેબ્રિકનો ઉપયોગ કરી બેસ્ટ ડિઝાઇન સાથે આઉટફિટ રજૂ થયાં હતાં.
NIFD રાજકોટના સેન્ટર ડિરેક્ટર નૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વભરના ફેશન જગતમાં દર વર્ષે નવા ફેશન ડિઝાઈનર્સની માગ ઊભી થાય છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત સ્વિમિંગ પૂલ પર રેમ્પ બનાવી ફેશન શો યોજાયો હતો. જેમાં NIFDના 40થી વધુ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી વિવિધ થીમ પર આધારિત ગારમેન્ટ્સને મુંબઈથી ખાસ આવેલ ફેશન જગતની મોડલ્સે અને બાળકોએ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.