રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર જાહેરમાં વૈભવી કારોના બોનેટ પર કેક કટિંગ અને ફટાકડા ફોડી બર્થડેની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. નબીરાઓએ મિત્રના જન્મદિવસની કંઈક એ રીતે ઉજવણી કરી કે, જેનાથી અન્ય વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ કરી 2 કાર સ્પીડમાં ચક્કર લગાવે છે અને બાદમા કારના બોનેટ પર કેક રાખી જન્મદિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે. જો કે, આ વીડિયો સામે આવતા પોલીસ ધંધે લાગી છે અને કારની નંબર પ્લેટના આધારે તપાસ હાથ ધરવામા આવી છે.
રાજકોટના કાલાવડ રોડ પર કટારિયા ચોકડીથી જામનગર રોડ ઉપરના ઈશ્વરિયા સુધીના નવા 150 ફૂટ રિંગ રોડ પર 5 જેટલી કાર જોખમી સ્ટંટ કરી જન્મ દિવસની ઉજવણી કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં શરૂઆતમાં 2 વૈભવી કાર જાહેર રસ્તા પર સ્પીડ સાથે ચક્કર લગાવે છે. જે વીડિયોમાં FEEL VOICE લખાયું છે. જ્યારે અન્ય વીડિયોમાં જાહેર રસ્તાની વચ્ચે 5 જેટલી વૈભવી કાર રાખેલી નજરે પડે છે. જેમાં કારના બોનેટ ઉપર કેક રાખેલી છે અને કારની પાછળના ભાગે ફટાકડા ફૂટતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દિગપાલસિંહ જાડેજાના આઇડીમાં ઉપરોક્ત બંને વિડિયો મુકાયા છે.