રાજકોટ શહેરના લક્ષ્મીવાડી શેરી નં. 20 વિસ્તારમાં શંકાસ્પદ કોલેરાનો એક કેસ નોંધાયેલ હોવાથી લક્ષ્મીવાડી શેરી નં.20 પાસેના વિસ્તાર અને તેની આજુબાજુના 2 કિમીના વિસ્તારમાં જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રભવ જોષી દ્વારા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જે તા.7 ઓક્ટોબર, 2024 સુધી અમલમા રહેશે. જેમાં બરફ અને બરફમાંથી બનતી ખાદ્યચીજોના વેચાણ સહિતનાં પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તો આ વિસ્તારમાં ખાનગી દવાખાના તેમજ લેબોરેટરીમાં આવતા કોલેરાના કેસની માહિતી જિલ્લા આરોગ્ય અધિકારીને આપવાની રહેશે.
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અંતર્ગત લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય અને રોગચાળો ફેલાતો અટકે તે હેતુથી લક્ષ્મીવાડી શેરી નં.20 પાસેના વિસ્તાર તથા આજુબાજુના 2 કિમી વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો, લારી-ગલ્લા, સ્ટોલ, શેરડીના રસના ચીચોડા, ફળોના ટુકડા કરી તેનું વેચાણ કરવું. તેમજ બરફ અને બરફમાંથી બનતી ખાદ્યચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત આ વિસ્તારમા નીચે મુજબની સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.