માતાજીની આરાધનાનો મહા પર્વ એટલે નવરાત્રી. આમ તો માતાજીની આરાધના કરવા માટે નવ નહિ પરંતુ, કદાચ હોય એટલા તમામ દિવસો ટૂંકા પડે. નવલા નોરતાની શરૂઆત થયા બાદ એક અઠવાડિયું કેવી રીતે પૂરું થઇ ગયું તેનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી. જેમ-જેમ દિવસો જાય તેમ-તેમ ખેલૈયાઓમાં ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો છે અને અર્વાચીન ગરબામાં જાણે માનવમહેરામણ ઉમટી પડ્યું હોય એવું લાગે છે. ખાસ આજે વાત કરવાની છે રાજકોટના ક્લ્બ યુવી રાસોત્સવની. આમ તો આ માત્ર કડવા પાટીદાર સમાજના લોકો માટે થતું આયોજન છે, તેમાં આવતા તમામ લોકો પરિવારના સભ્યો જ માની શકાય છે અને અહીંયા ગઇકાલે આઠમની રાત્રે 10,000 લોકો ઉપસ્થિત રહી માં ઉમિયાની ભવ્ય આરતી કરી આતશબાજી સાથે માતાજીની ભક્તિ કરવામાં આવી હતી અને આખું મેદાન જય માં ઉમિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું
રાજકોટના નવા 150 ફૂટ રિંગરોડ પર કોકોનેટ પાર્ટી પ્લોટની સામે માત્ર કડવા પાટીદાર સમાજ માટે આયોજિત કલ્વ યુવી રાસોત્સવ 2024માં એકસાથે 10 હજારથી વધુ સંખ્યામાં ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પરિવાર તેમજ સગા-સબંધીઓ સાથે મળી ગરબાની મજા માણતા હતા. ગઈકાલે રાત્રે આઠમાં નોરતે આઠમની ભવ્ય ઉજવણી આ રાસોત્સવમાં કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ આઠમની રાત્રે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહાઆરતીમાં એક સાથે 10,000થી વધુ લોકોએ ઉપસ્થિત રહી માં ઉમિયાની આરતી કરી હતી. આ સાથે જ આરતી પૂર્ણ થયા બાદ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. આ સમય આખું મેદાન જય માં ઉમિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું.