રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદર અને વંદા બાદ મચ્છરોનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. જેમાં સિવિલ હોસ્પિટલનાં વોશરૂમમાં ખૂબ મોટી સંખ્યામાં મચ્છરોનાં ઝૂંડ જોવા મળતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો બનાવનાર દર્દીનાં સગાએ જણાવ્યું હતું કે, માત્ર વોશરૂમ નહીં બહાર પણ મચ્છરોનો ખૂબ જ ત્રાસ છે. અધિકારીઓ ત્યાં બહાર બેસે તો ખબર પડે દર્દીઓનાં સગાની કેવી હાલત થાય છે?
મોટી સંખ્યામાં મચ્છરો અહીં ઉડી રહ્યા છે દર્દીના સગા શૈલેષ મોભેરાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 10 માર્ચના રોજ અમારા સંબંધીને દાખલ કર્યા હોવાથી હું રાત્રે ત્યાં હતો. આ દરમિયાન બહાર પણ ખૂબ જ મચ્છરોનો ત્રાસ જોવા મળ્યો હતો અને હું વોશરૂમમાં ગયો તો ત્યાં પણ મચ્છરોનાં ઝૂંડ જોવા મળ્યા હતા. બહાર તો અંધારું હોવાથી વીડિયો બનાવી શકાય તેમ નહોતો પરંતુ, વોશરૂમમાં લાઈટ હોવાથી મે વીડિયો બનાવી લીધો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં મચ્છરો અહીં ઉડી રહ્યા છે તેમજ અહીં દિવાલો પર પણ મચ્છરો ચોંટેલા જોવા મળે છે.
તાત્કાલિક સિવિલ અને મનપા તંત્ર દ્વારા પગલાં લે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં લોકો સાજા થવા માટે આવતા હોય છે પણ મચ્છર રોગચાળો ફેલાવે છે ત્યારે આટલી મોટી હોસ્પિટલમાં આવી બેદરકારીથી રોગચાળો ઘટવાને બદલે વધવાની દહેશત છે પરંતુ, અહીંની સિવિલ હોસ્પિટલમાં ખરેખર લાલીયાવાડી જ ચાલે છે. દર્દીઓ અને તેના સગાની કોઈને કંઈ પડી જ નથી. અધિકારીઓ આ વોશરૂમનો ઉપયોગ કરે કે, બહાર બેસે તો તેને ખબર પડે પણ કોઈ અધિકારી તેમની ચેમ્બર બહાર નીકળતાં નથી ત્યારે હવે તાત્કાલિક સિવિલ અને મનપા તંત્ર દ્વારા આ મામલે પગલાં લેવામાં આવે તે જરૂરી છે.