રાજકોટનાં આમ્રપાલી ફાટક અન્ડરબ્રિજમાં આસપાસ રહેતા લોકો માટે ખાસ વોકિંગ ટ્રેક બનવવામાં આવ્યો છે. જેમાં પાટાની એક બાજુથી બીજી બાજુ જવા વોકિંગ ટ્રેક (નાળું) બનાવવામાં આવ્યું છે. જો કે, આ જગ્યા અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયો છે. રાત્રિના સમયે દારૂડિયાઓ તેમજ ગંજેરીઓ અંદર પડ્યા-પાથર્યા રહેતા હોવાથી આસપાસના વિસ્તારોમાં રહેતી મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ આજે સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી અને બ્રિજમાં અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે, નેતાઓ માત્ર મત લેવા જ આવે છે.
મિતલબેન શાહ નામના સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, રાધાકૃષ્ણ સોસાયટી, કિસાનપરા, આરએમસી સોસાયટી સહિતના વિસ્તારમાં રહેતી મહિલાઓએ આ વોકિંગ ટ્રેકમાંથી અવરજવર કરવાની હોય છે. આ સ્થળે સાંજ પડતા જ અસામાજીક તત્વો પડ્યા-પાથર્યા રહેતા હોવાથી સાંજ પછી અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. આ અંગે સ્થાનિક ધારાસભ્ય કે જેઓ અગાઉ આ વિસ્તારના કોર્પોરેટર હતા, તેવા દર્શીતાબેન શાહને રજૂઆત કરી હતી. ત્યારે તેમણે આ તેના કાર્યક્ષેત્રમાં નહીં હોવાનું જણાવ્યું હતું. જો આમ જ હોય તો અમારે તેમને મત શા માટે આપવો જોઈએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારા માતા-પિતાને પણ અમે બહાર નીકળીએ ત્યારે ચિંતા થાય છે. કારણ કે, દિવસભર અહીં અસામાજીક તત્વો અડ્ડો જમાવીને બેઠા હોય છે. આ કારણે સિનિયર સિટીઝનોને વહેલી સવારે મંદિરે જવામાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. બે વર્ષ અગાઉ ટેકનોલોજી નહોતી ત્યારે પણ અમે રાત્રે 10 વાગ્યે નીકળી શકતા હતા, પરંતુ હાલ ટેકનોલોજીનાં સમયમાં અમે સાંજે પણ બહાર નીકળી શકતા નથી. ત્યારે આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે જરૂરી છે.