શાપર પાસે કાંગશિયાળી ગામની સીમમાં હોટેલ પાસેથી શાપર પોલીસે 8.638 કિ.ગ્રા.ગાંજાના જથ્થા સાથે રાજકોટની મહિલાને પકડી તેની પૂછતાછ કરતાં તેને રાજકોટ જંક્શન રેલવે સ્ટેશન નજીક પાટા પાસે રાજસ્થાની શખ્સ આપી ગયો હોય જે માદક પદાર્થની ડિલિવરી કરવા આવી હોવાનું રટણ કરતાં લોધિકા પોલીસે તેની ધરપકડ કરી પૂછતાછ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી છે.
કાંગશિયાળી ગામ સીમમાં માલધારી ચોકથી રાજકોટ જતા રોડ પર સૌરાષ્ટ્ર હોટેલ પાસે એક મહિલા માદક પદાર્થની ડિલિવરી આપવા આવ્યાની માહિતીને આધારે શાપર પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ મહિલાને અટકાવી પૂછતાછ કરતાં તે કોઠારિયા સોલવન્ટ પાસેના રસૂલપરામાં ભાડે ઓરડીમાં રહેતી કરીન ઉર્ફે ફરીદા કરીમભાઇ શાહમદાર હોવાનું જણાવતા પોલીસે તેની તલાશી લેતાં રૂ.86 હજારની કિંમતનો 8.638 કિ.ગ્રા.ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી.
બનાવને પગલે લોધિકા પોલીસ મથકના પીઆઇ ડામોર સહિતે તેની ધરપકડ કરી પૂછતાછ કરતાં ફરીદા કેટલાક સમયથી માદક પદાર્થનું વેચાણ કરતી હોવાનું અને તેને જંક્શન રેલવે સ્ટેશન નજીક પાટા પાસે રાજસ્થાની શખ્સ ડિલિવરી કરી ગયો હોય તે ગાંજાનો જથ્થો શાપર ડિલિવરી કરવા અહીં આવી હોવાનું રટણ કરતાં પોલીસે ડિલિવરી આપનાર અને લેનાર શખ્સોને પકડી લેવા તેમજ મહિલાની પૂછતાછ માટે 5 દિવસના રિમાન્ડની માંગ સાથે મહિલાને કાર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી છે.