રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં માણસોની જીંદગી જોખમાઈ તે મુજબ ભયજનક રીતે છકડો ચલાવતા, ધ્વનિ પ્રદુષણ ફેલાવતા અને લોકોના આરોગ્યને નુકશાન પહોંચાડતા લાઇસન્સ અને નંબર પ્લેટ વગર અને ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા છકડો રીક્ષા ચાલકો વિરૂધ્ધ અલગ-અલગ જગ્યાએ વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જે ડ્રાઈવ દરમિયાન કુલ 109 રીક્ષા ડીટેઈન કરવામાં આવી છે અને આ ડ્રાઈવ આગળ પણ ચાલુ રાખવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે.
અન્ય બનાવ ફરિયાદી જીજ્ઞેશ મકવાણાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રામાપીર ચોકડી પાસે એમેઝોન પાર્સલ ડિલિવરી કરવાની દુકાન ચલાવે છે. ગઈકાલે બપોરના 1થી 2 વાગ્યાના અરસામાં તેમની દુકાનમાં એમોઝનનો ડિલિવરીનો સામાન રૂટીન મુજબ આવ્યો હતો. બપોરના 2.30 વાગ્યા આસપાસ તેણે દુકાને જઇ ડિલિવરીનો સામાન ઉતાર્યો હતો. દુકાનમાં રહેલી સિસ્ટમમાં જોતા એક પાર્સલનો કોથળો ઓછો બતાવતા તેમણે તેના માણસને પૂછ્યું હતું કે, આ પાર્સલનો કોથળો ક્યાં? જેથી દુકાનના માણસોએ કહ્યું હતું કે, કદાચ ઉતાર્યો નહીં હોય જેથી ડિલિવરી કરવાવાળાને પૂછતા તેની સિસ્ટમમાં બધા પાર્સલના કોથળા ઉતારવામાં આવ્યા હોવાનું બતાવ્યું હતું. બાદમાં આજુબાજુમાં તપાસ કરી હતી, પરંતુ ક્યાંય આ પાર્સલનું કોથળો મળી આવ્યો ન હતો. જે કોથળામાં 15 નંગ પાર્સલ હતા જેની કિંમત રૂપિયા 17,000 જેટલી હોય જેથી ફરિયાદીના માણસોની નજર ચૂકવી આ પાર્સલ ચોરી કરી થયા અંગે તેમણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.