રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાંથી ગુમ થયેલી બાળકીની માથું છૂંદેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ બાળકી તેના પિતાને બનાવ અંગે જાણ કરશે તેવા ભયથી બાળકીનું મોત નિપજાવવાનું નક્કી કરી પથ્થરના ઘા માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઉલ્લેખનયી છે કે, પકડાયેલા આરોપીઓ એકલા રહી કારખાનામાં મજૂરી કામ કરતા હતા અને બાળકીનાં પરિવારજનો સાથે પરિચય ધરાવતા હોવાથી બાળકીને ફોસલાવી અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના ભક્તિનગર રેલવે સ્ટેશનની હદમાં આવેલી ઝાડી ઝાંખરામાંથી માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી 8 વર્ષની ગુમ થયેલી બાળકીની લાશ શનિવારે મળી આવી હતી. જે બાદ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન પોલીસને મહત્ત્વની કડી મળી હતી. જેમાં મિથિલેશ નામનો શખસ બાળકીને લઈ જતો સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો હતો. જેના આધારે પ્રથમ તેની અટકાયત કરી આગળની પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન કુલ 3 આરોપીની સંડોવણી હોવાનું સામે આવતા તમામ ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.