રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે(2 જુલાઈ) સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં મનપાનાં શાસકોએ નવા ફાયર સ્ટેશન સહિત કુલ રૂ. 144 કરોડનાં વિકાસ કામોની 60 દરખાસ્ત મંજૂર કરી હતી. જ્યારે ઇકલીની જુદી-જુદી 2 દરખાસ્તોને વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી હતી. અને ગાંડીવેલ કાઢવા માટેનું કામ કરતી કંપનીનું કામ યોગ્ય ન લાગતા તેને એક વર્ષનું એક્સ્ટનશન નામંજૂર કરવામાં આવ્યું હતું. તો ગાંડીવેલ માટે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં પૂર્વ ટીપીઓ સાગઠિયાની સામે કાર્યવાહી કરવાની EDની દરખાસ્તને મંજૂર કરીને જનરલ બોર્ડમાં મોકલવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીનાં આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળ્યા બાદ સંકલનની બેઠક યોજાઇ હતી. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં રાજકોટનાં તમામ 18 વોર્ડમાં વિકાસ માટે આવેલી જુદી-જુદી 63 દરખાસ્તો પૈકી રૂ. 144 કરોડની 60 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. ગાંડીવેલની કામગીરી કરતી કંપનીએ છેલ્લા 2 વર્ષના તેના કોન્ટ્રાક્ટ દરમિયાન ખાસ સારું કામ કર્યું નથી. છતાં તેને વધુ એક વર્ષનું એક્સ્ટનશન આપવા માટેની દરખાસ્ત કમિશનર તરફથી મળી હતી. જોકે આ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે. અને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આદેશ મુજબ ફાયર વિભાગમાં નવું સેટઅપ ઉભું કરવાનું છે. આ માટે નવુ ફાયર સ્ટેશન તેમજ આવાસ બનાવવાની અને નવી ભરતી માટેની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત બજેટમાં થયેલી જોગવાઈ મુજબ હવે રાજકોટમાં નવા જન્મનાર દરેક બાળકના નામનું વૃક્ષ રોપી દર ત્રણ મહિને વાલીઓને જીઓટેગીંગ દ્વારા તેનું અપડેટ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે આર્ટ ગેલેરીના ભાડા સહિતની દરખાસ્તો મંજૂર કરી દેવામાં આવી છે. તેમજ પૂર્વ ટીપીઓ સાગઠિયાની સામે કાર્યવાહી કરવાની દરખાસ્ત પણ મંજૂર કરી હાલ જનરલ બોર્ડમાં મોકલવામાં આવી છે.