રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો

રાજકોટ શહેરમાં આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતી મૂળ સાવરકુંડલાના પરિવારની સગીર દીકરીનું અપહરણ કરી અનેક વખત દુષ્કર્મ આચાર્યાંના ગુનામાં કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત સરકારમાંથી ભોગ બનનારને 7 લાખનું વળતર ચૂકવવા રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટે આદેશ કર્યો છે.

યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદમાં આવતા આરએમસી ક્વાર્ટરમાં 16 વર્ષની સગીરા પોતાના પરિવાર સાથે રહે છે. દરમિયાન આવાસ યોજનાના આ ક્વાર્ટરમાં અમરેલીનો અભિષેક દિપકભાઈ ડુંભરેલા તેમના સગાને ત્યાં રહેવા આવે છે. દરમિયાન સગીરાના પરિચયમાં આવી તેને પ્રેમજાળમાં ફસાવી, લલચાવી ફોસલાવી આરોપી તા. 11/3/2022ના રોજ સગીરાનું અપહરણ કરી ભગાડી જાય છે. આરોપી સગીરાને અમરેલી લઈ જાય છે જ્યાં નવ દિવસ સુધી રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન સગીરાના પિતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો હતો.

કેસમાં આરોપી સામે પુરતા પુરાવા મળતા તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકાર તરફે સરકારી વકીલ મહેશકુમાર જોષી તરફથી ભોગબનનાર, ફરિયાદી, ડોક્ટરો, પંચ વીટનેસો અને પોલીસ વીટનેસો વગેરેને રજુ રાખ્યા હતા. ઉપરાંત બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપી અભિષેક ડુંભરેલાને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા અને દંડ તેમજ ભોગ બનનારને રૂ. 7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એપીપી મહેશકુમાર જોષી રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *