તારીખ 20 નવેમ્બર 2020ના રોજ સાંજના સમયે મોરબી રોડ જકાતનાકા પાસે ઈજા પામનાર મેરૂ માધાભાઈ શિયાળને છરી વડે 4 જીવલેણ ઈજાઓ પહોંચાડવા બદલ આરોપી પિન્ટુ ધીરુભાઈ મકવાણા (ઉ.વ.28)ને હત્યાની કોશિશના ગુના સબબ અધિક સેશન્સ જજ પી.જે. તમાકુવાલાએ 10 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.10,000નો દંડ ફટકાર્યો છે.
સરકાર તરફે બનાવ અંગેના પુરાવાઓ રજૂ કરાયા તારીખ 20 નવેમ્બર 2020ના રોજ આરોપી પિન્ટુ ધીરુભાઈ મકવાણા ઈજા પામનાર મેરૂ માધાભાઈ શિયાળ (ઉ.વ.20)ની ડીલક્ષ પાન નામની દુકાને આવેલો અને થડા ઉપર બેઠેલા ઈજા પામનાર મેરૂને છરી વડે ઉપરાઉપરી 4 ઘા માર્યા હતા. આ જીવલેણ ઈજાઓ સબબ ઈજા પામનારને ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓની સારવાર કરી ઇજા પામનારનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા આરોપી પિન્ટુ ધીરુભાઈ મકવાણાની ધરપકડ કરવામાં આવેલી અને તેની સામેનો કેસ ચાલવા ઉપર આવતા સરકાર તરફે બનાવ અંગેના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.
હત્યાની કોશિશનો કોઈ ઈરાદો જણાતો નથી- ફરિયાદી વકીલ આ કેસના સાહેદોની જુબાની દરમિયાન આરોપી તરફે બચાવ લેવામાં આવ્યો હતો કે, સાહેદોની જુબાનીમાં ગંભીર વિસંગતતાઓ છે તથા બનાવ સમય અને સ્થળ અંગે ચોક્કસ વર્ણન નથી. વધુમાં તેઓને બચાવ લેવામાં આવ્યો કે, બનાવ સમયે આરોપી પોતાના મોટરસાયકલ ઉપર બનાવ સ્થળેથી નીકળેલા ત્યારે ઈજા પામનાર અને તેના સાગરીતોએ તેમને રોકેલો અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ સમયે આરોપી પાસે રહેલી છરી કોઈ આકસ્મિક રીતે ઈજા પામનારને લાગી ગઇ હતી. જેથી આ બનાવ બનેલો છે અને આ બનાવમાં હત્યાની કોશિશનો કોઈ ઈરાદો જણાતો નથી.