પડતર પ્રશ્નનો હલ નહિ આવતા રાજકોટ શહેર-જિલ્લાના 390 મહેસૂલી કર્મચારી આજે માસ સીએલ પર ઉતરશે. સવારે 10.00 કલાકે કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર કરી દેખાવો કરશે. રાજ્ય કક્ષાએ લેવાયેલા માસ સીએલના નિર્ણયમાં રાજકોટ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ પણ જોડાયા છે. તેમ રાજકોટ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ વર્ગ-3ના પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ જણાવ્યું છે.
વધુમાં તેના જણાવ્યાનુસાર અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં મહેસૂલી કર્મચારીના પ્રશ્નો અંગે યોગ્ય નિર્ણય આવ્યો નથી. આ અંગે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. નાયબ મામલતદાર સંવર્ગની પ્રવર્તાયાદી છેલ્લા 8 વર્ષથી વધારે સમયથી બનેલ નથી. જે તે સમયે પ્રસિદ્ધ થયેલ પ્રવર્તાયાદીમાં જે તે સમયે રહેલ ક્ષતિઓના કારણે તેમજ અગાઉ રજૂ થયેલ વાંધાઓની સુનાવણી અને નિર્ણય નહિ થવાથી વિભાગ કક્ષાએ જરૂરી સુધારો કરી નવેસરથી યાદી બનાવવી જરૂરી છે.
નાયબ મામલતદારની રજૂઆતોને ધ્યાને લઈને તેમને ડિમ્ડડેટ મુજબ યાદીમાં આગળનું સ્થાન મળવાપાત્ર હોય તે મુજબ ડિમ્ડડેટ સાથેની નિયમોનુસાર અદ્યતન પ્રવર્તાયાદી બનાવવામાં આવે તેમજ તે આધારે તાત્કાલિક નાયબ મામલતદારથી મામલતદારના પ્રમોશન આપવા સહિતની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. એક બાજુ મહેસૂલી કર્મચારીઓએ માસ સીએલ મૂકી દીધી છે. જ્યારે બીજી તરફ મહેસૂલી કર્મચારીઓની માસ સીએલ સામે સરકારે પણ બાંયો ચડાવી છે. રજા મંજૂર નહિ કરવા જિલ્લા કલેક્ટરોને તાકીદ કરવામાં આવી છે. આમ છતાં મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર જાશે તેમ મંડળના પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ જણાવ્યું છે.
ગત સપ્તાહે શનિ-રવિની રજા હતી અને સોમવારે એક દિવસ કચેરી ખુલ્લી રહી હતી. અને મંગળવારે જાહેર રજા હોવાને કારણે કચેરીઓ બંધ રહી હતી.આજે બુધવાર છે. રાજકોટમાં ઔદ્યોગિક એકમોમાં રજા હોય છે.જેને કારણે સરકારી કચેરીમાં ધસારો હોય છે પરંતુ કર્મચારીઓ માસ સીએલ પર હોવાથી અરજદારોને મુશ્કેલી પડશે.