રાજકોટનો સ્થાપના દિન છે ત્યારે ૪૦૦ વર્ષ પહેલા ઈ.સ.૧૬૧૦માં જાડેજા રાજવી ઠાકોર વિભાજીના વિશ્વાસુ સાથીદાર રાજુ સંધિએ આજી નદીના કાંઠે ગામ વસાવ્યું, ઉંચાઇ ઉપર હોવાથી રાજુ સંધિના નામ ઉપરથી જ શહેરનું નામ રાજકોટ થયું. શરૂઆતમાં રાજકોટ હાલના કોઠારીયા નાકા, રૈયા નાકા, બેડીના નાકા અને ભીચરીના નાકાની અંદર ઊંચાઈ ઉપર વસેલું હતું.
રાજકોટના રાજવીઓએ ધર્મેન્દ્રસિંહજી લો કોલેજ, રાજકુમાર કોલેજ, ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ, પ્રતાપ કુંવરબા સ્કુલ, બાવાજીરાજ સ્કૂલ, લાખાજીરાજ લાઇબ્રેરીનું નિર્માણ કરાવ્યુ. તત્કાલીન દુકાળને પહોંચી વળવા લોકોને રોજગારી મળી રહે તે માટે રાજવીઓ દ્વારા પેલેસ રોડ ઉપર રણજીત વિલાસ પેલેસનું નિર્માણ કરાવાયું હતું.
રાજકોટમાં કુદકેને ભુસકે વધતા વિકાસની સાથે વસ્તી પણ અંદાજે ૩૦ લાખ સુધી પહોંચી છે ત્યારે રાજકોટથી પ્રમુખ શહેરોને જોડતા સડક માર્ગો પણ ફોરલેન- સિકસ લેન બની ચૂક્યા છે.રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આઝાદી પહેલાનો ભાવનગરના રાજા દ્રારા નિર્મિત કેસરી જય હિન્દ પુલ, પારેવડી ચોક બ્રિજ, ઉપરાંત નવા બનેલ સિવિલ હોસ્પિટલ બ્રિજ, કે.કે.વી બ્રિજ, ૧૫૦ ફૂટ બ્રિજ, ગોંડલ ચોકડી બ્રિજ નિર્માણ થઈ ચૂક્યા છે.
રાજકોટ અને સોમનાથ વચ્ચે પણ ફોરલેન હાઈવે સિકસલેન બનવાની તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે રાજકોટ-અમદાવાદ સિકસ લેન નિર્માણાધીન છે. રાજકોટથી દ્વારકા વચ્ચે પણ ફોરલેન જ્યારે રાજકોટ મોરબી વચ્ચે પણ સિકસલેન માર્ગ નિર્માણાધીન છે.
જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે પણ રાજકોટએ દેશમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે રાજકોટના સોના, ચાંદી તથા ઇમિટેશન જ્વેલરી દેશ તથા દુનિયામાં અને બોલીવુડમાં પણ અત્યંત લોકપ્રિય થઈ છે. રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું તમામ ક્ષેત્રોનું હબ છે ત્યારે રાજકોટની આ અનેક સફળતાઓ અને પ્રગતિ સાથે રાજકોટને તેનો ૪૧૩મો જન્મદિવસ મુબારક…