અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટરોએ સ્ટાઇપેન્ડ મામલે હડતાળ શરૂ કરી છે. હડતાળને કારણે ડોક્ટરો ઇમર્જન્સી અને OPDથી અળગા રહ્યા છે. ડોક્ટરો હાજર ન હોવાથી OPDમાં આવી રહેલા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. OPDમાં ગુજરાત સહિત બહારથી પણ દર્દીઓ આવી રહ્યા છે, જેમને હડતાળને કારણે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે છતાં સારવાર મળતી નથી. રાજકોટથી આવેલા એક દર્દીના સગાએ જણાવ્યું હતું કે મારા ભાણેજને કમળો છે અને પેટમાં પાણી ભરાઈ ગયું છે તેમજ લિવર ફેઇલ થઈ ગયું છે, પણ ડોક્ટર કહે છે કે આજે હડતાળ હોવાથી ચેકઅપ નહીં થાય, આથી અમને છેક રાજકોટથી ધક્કો થયો છે, આથી બહારથી આવેલા દર્દીઓને પરત જવું પડી રહ્યું છે.
બીજી તરફ, અગ્નિવીરની નોકરી માટે મેડિકલ સર્ટિફિકેટ લેવા આવેલા યુવકોને પણ લાંબી લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું. તો X-RAYમાં લાઈટ જતી રહેતાં 2 કલાક જેટલો સમય દર્દીઓ અંધારામાં ઇજાગ્રસ્ત હાથ-પગ સાથે બેસી રહ્યા હતા.