રાજકોટ જાહેરમાં નોનવેજ વેચાય પણ જાહેરાત નહીં થાય!

રાજકોટ શહેરમાં હવે જાહેરમાં નોનવેજની જાહેરાત નહીં થાય. શહેરના જિલ્લા પંચાયત ચોકમાં મનપાના બસ સ્ટોપ પર નોનવેજ ફૂડની જાહેરાત થતી હોવાનું ધ્યાન પર આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે દૂર કરાવી હતી. સાથે કહ્યું હતું કે, તમામ એડ એજન્સીઓને આ પ્રકારની જાહેરાત નહીં કરવા માટે સૂચન આપવામાં આવી છે. જો કોઈ એડ એજન્સી તેનો ભંગ કરશે તો તેની સામે કડક પગલાં લેવાશે. નોંધનીય છે કે, રાજકોટમાં મનપા એક તરફ શહેરમાં જાહેરાતના બોર્ડ દૂર કરવાનો આદેશ કરી રહી છે તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારમાં જાહેરમાં જ નોનવેજનું વેચાણ ચાલી રહ્યું છે.

રાજકોટના જિલ્લા પંચાયત ચોકમાં સ્માર્ટ બસ સ્ટોપ પર નોનવેજ ફૂડ વેચાણની જાહેરાત કરવામાં આવી હતી.આ જાહેરાતમાં લખ્યું હતું, ‘દિલ્હી કા બટર ચિકન, કાશ્મીર કી વાઝવાન બિરયાની’. અહીંથી પસાર થઈ રહેલા રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટના ચેરમેનનું તેના પર ધ્યાન પડતા તાત્કાલિક આ જાહેરાત હટાવવા સિટી એન્જીનીયરને આદેશો આપ્યા હતા.

સ્ટેન્ડિંગ ચેરમેને નોનવેજ ફૂડની જાહેરાતો દૂર કરવાનો આદેશ આપતા અડધો કલાકમાં જ જાહેરાતો દૂર કરી દેવામાં આવી હતી. આ સાથે તમામ એડ એજન્સીને આ પ્રકારની કોઈપણ જાહેરાતો નહીં કરવા આદેશો આપવામાં આવ્યા છે. જો કોઈ એજન્સી આ નિયમનો ભંગ કરે તો તેની સામે કડક પગલાં લેવાની ચેતવણી પણ સ્ટેન્ડિંગ ચેરમેને આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *