છેલ્લા ઘણા સમયથી હાર્ટ-એટેકના બનાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે બે લોકોનાં હાર્ટ-એટેકથી મોત થયાં બાદ વધુ બે લોકોનાં હાર્ટ-એટેકથી મોત થયાંની ઘટના સામે આવી છે. ગઈકાલે રાજકોટના યુવાન અને બામણબોરના આધેડનાં હાર્ટ-એટેકથી મોત થયાં હતાં. જ્યારે આજે વધુ એક યુવાન અને પ્રૌઢે હાર્ટ-એટેકના કારણે જીવ ગુમાવ્યા છે. એમાં 38 વર્ષનો યુવાન ફળિયામાં ઢળી પડ્યો હતો અને 53 વર્ષના પ્રૌઢ ઘરે બેભાન થયા હતા. હોસ્પિટલ પહોંચે એ પહેલાં બન્નેનાં પ્રાણપંખેરાં ઊડી ગયાં હતાં.
રાજકોટના નવા થોરાળાના ગોકુલ પરામાં રહેતો 38 વર્ષીય યુવાન ગઇકાલે રાત્રે એકાએક ઘરના ફળિયામાં ઢળી પડતાં અને ગાંધીગ્રામ ગોવિંદનગરના 53 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં તેમનાં મોત થયાંનું તબીબોએ જણાવતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડતાં હાર્ટ-એટેકથી મૃત્યુ થયાંનું જાહેર થયું હતું.
નવા થોરાળા મેઇન રોડ ગોકુલપરા-6માં રહેતો ગુણવંતભાઇ ચનાભાઇ ચાવડા (ઉ.વ.38) નામનો યુવાન રાતે 1.30 વાગ્યે લઘુશંકા કરવા જાગ્યો હતો અને રૂમમાંથી ફળિયામાં ગયો ત્યારે અચાનક ઢળી પડ્યો હતો. આ વખતે ઘરના સભ્ય પણ જાગી ગયા હતા અને તરત જ તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો, પરંતુ અહીં દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. તે બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તે બરફના કારખાનામાં કામ કરતો હતો.