રાજકોટ મનપાનું આગોતરૂ આયોજન

રાજકોટ શહેરમાં આગામી ઉનાળામાં પાણીની સમસ્યા ન થાય તે માટે અત્યારથી જ આગોતરૂ આયોજન કરાયું છે. જેમાં એપ્રિલ અને મે મહિનામાં સૌની યોજના માટેની પાઈપલાઈનનું મેઈન્ટેનન્સ કરવાનું હોવાથી માર્ચ મહિનામાં જ ફરી એકવાર આજી અને ન્યારી ડેમ સૌની યોજનાથી છલકાવી દેવાની માંગ કરવામાં આવી છે. હાલ આજી અને ન્યારી ડેમમાં એપ્રિલ માસનાં અંત સુધી ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ છે અને ચાલુ અઠવાડિયે નર્મદાનું પાણી છોડવાનું શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. માર્ચના અંત સુધીમાં બંને ડેમો ફરી છલકાતા રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની કોઈ મુશ્કેલી પડશે નહીં.

વોટર વર્ક્સ વિભાગનાં અધિકારી કે. પી. દેથરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા એપ્રિલ અને મેમાં મેઈન્ટેનન્સ માટે નર્મદાની સૌરાષ્ટ્ર કેનાલ બંધ થવાની છે ત્યારે રાજકોટને ભરઉનાળે પાણીની તકલીફ ન પડે અને દૈનિક 20 મિનિટ પાણી વિતરણ થાય તે માટે મહાનગરપાલિકાએ રાજ્યના સિંચાઈ વિભાગને માર્ચ માસના અંત સુધીમાં આજી અને ન્યારી ડેમ છલોછલ ભરી દેવાની માગણી કરી છે.

રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા અગાઉ મનપાને પત્ર પાઠવીને સૌરાષ્ટ્રની નર્મદા કેનાલના રીપેરીંગના કારણે આગામી એપ્રિલ-મે એમ બે મહિના કેનાલ બંધ રહેવાની જાણકારી અપાઈ હતી અને આ માટે પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવાયું હતું. આગોતરા આયોજનરૂપે આજી અને ન્યારીમાં સૌની પોજના હેઠળ નર્મદાનીર ઠલવીને બંને ડેમ છલોછલ ભરી પણ દીધા હતા. જોકે, આ પાણી એપ્રિલનાં અંત સુધી ચાલે તેમ હોવાથી મેમાં પાણીની મુશ્કેલી થવાની શક્યતા હતી. જેને લઈને હવે માર્ચ મહિનામાં ફરીથી બંને ડેમો છલકાવવા માંગ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *