રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગતવર્ષનો રૂપિયા 410 કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવ્યો છે. નવા નાણાકીય વર્ષમાં રૂ. 450 કરોડનો લક્ષ્યાંક બજેટમાં રાખવામાં આવ્યો છે. જેને હાંસિલ કરવા મનપા દ્વારા વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનો ટૂંક સમયમાં અમલ શરૂ કરવામાં આવશે. આ સ્કિમ હેઠળ બાકી રકમનાં વ્યાજ વિનાના 4 હપ્તા ભરી શકાશે. જેને લઈને લોકોને એકસાથે મોટી રકમ ન ભરવી પડે અને આ રકમ પર સતત વ્યાજ પણ ચડશે નહીં. જોકે, યોજનામાં સામેલ થવા માટે 30 સપ્ટેમ્બરની પહેલા ચાલુ વર્ષનો વેરો અને બાકી રહેલી વ્યાજ સહિત રકમનાં 25% ભરવાના રહેશે.
સ્કિમમાં જોડાયા બાદ બાકી રકમનાં ચાર હપ્તાઓ કરી દેવાશે રાજકોટ મનપાનાં વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ મોટા ભાગની મિલકતોનો વેરો વસૂલ થઈ ચૂક્યો છે. છતાં કેટલીક મિલકતોનો વેરો અને પાણીનો વેરો પણ વસૂલ કરવાનો બાકી છે. આવા મિલકતધારકો માટે આગામી થોડા સમયમાં વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કિમ લાવવામાં આવનાર છે. જેમાં કોઈપણ બાકીદાર પોતાના વોર્ડમાં અરજી કરીને ભાગ લઈ શકશે. આ સ્કિમમાં જોડાયા બાદ જે-તે બાકીદારને તેની બાકી રકમનાં ચાર હપ્તાઓ કરી દેવામાં આવશે. પ્રથમ હપ્તો અને ચાલુ વર્ષનો ટેક્સ બાકીદારે 30 સપ્ટેમ્બર સુધીમાં ભરવાનો રહેશે. આ સ્કીમમાં જોડાયા બાદ બાકી રહેલી રકમ ઉપર વ્યાજ ચડવાનું બંધ થઈ જશે.