રાજકોટ મનપા દ્વારા તાજેતરમાં આજી વસાહત પાસે ઔદ્યોગિક વિસ્તારમાંથી દાબેલા ચણા, મગ, સહિતનાં નમકીનનું ઉત્પાદન કરતા બે એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન 5500 કિલો અખાદ્ય માલનો નાશ કરાયો હતો અને બંને વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજ રોજ મ્યુ. કમિશ્નર આનંદ પટેલની સૂચનાથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતી આ બંને પેઢી સીલ કરી દેવામાં આવી છે અને બંને પેઢીઓને આગામી હુકમ ન થાય ત્યાં સુધી સીલ યથાવત રાખવા માટે આદેશ કરાયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ મનપા દ્વારા થોડા સમય પહેલા ઔદ્યોગિક એકમો તેમજ પેઢીઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી. જેમાં જે.કે.સેલ્સ અને આશા ફુડ્સ નામની પેઢીમાંથી અખાદ્ય પદાર્થ મળી આવતા તે તમામ જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો ત્યારે નાયબ કમિશ્નર અનિલ ધામેલિયાના હુકમ અંતર્ગત આજે દિનદયાળ ઇન્ડ. એરીયા, શેરી નં-6, આજી ડેમ ચોકડી પાસે, રાજકોટમાં આવેલ જીતેન્દ્રભાઈ ગુપ્તાની (કલ્પેશભાઇ બડોખરીયાની) ખાદ્યચીજોની ઉત્પાદક પેઢી જે.કે. સેલ્સ (કલ્પેશ ટ્રેડર્સ)ને માલિકની હાજરીમાં સીલ કરવામાં આવી હતી.