રાજકોટ મનપાનાં સ્થાપના દિવસે આજે જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં શાસક તેમજ વિપક્ષનાં કોર્પોરેટરોને સઘન ચેકીંગ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ પ્રશ્ન ભાજપનાં કોર્પોરેટરનો હતો. જેમાં અડધો કલાક જેટલો સમય વીતી જતા વિપક્ષનાં નેતા વશરામ સાગઠિયાએ પોતાનાં રોગચાળાનાં પ્રશ્નનો જવાબ દેવા હોબાળો કર્યો હતો. દરમિયાન શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું. જેમાં વિપક્ષ નેતા સાગઠિયાએ કહ્યું હતું કે, આતંકવાદી હોય તેમ ચેકીંગ કર્યું, અને મારો પ્રશ્ન સાંભળ્યા પહેલા મને માર્શલ મારફત બહાર કાઢી મુકાયો છે. તો સ્ટેન્ડિંગ ચેરમેન બોલ્યા કે, સાગઠિયા મીડિયા સમક્ષ ફોટા પડાવવા આવે છે. મનપા કમિશ્નર ગેરહાજર હોવાથી ડે. કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા આ બોર્ડમાં જવાબો અપાયા હતા.
વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, હું આતંકવાદી હોવ તેમ મારુ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે બંધારણની વિરુદ્ધ છે. તેમજ જનરલ બોર્ડમાં પણ હંમેશની જેમ કોંગ્રેસના પ્રજાલક્ષી પ્રશ્નો ધ્યાને લેવામાં આવ્યા નહોતા. જેને લઈને મેં રોગચાળાનો અને ડેંગ્યુનાં કારણે થતા મોતનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. પણ મારા પ્રશ્નનો જવાબ આપવાને બદલે માર્શલ દ્વારા મને બહાર કાઢી મુકવામાં આવ્યો હતો. તંત્ર રોગચાળાનાં આંકડા છુપાવે છે. અને આંકડાઓ બહાર ન આવે તે માટે વિપક્ષને પુરી અને સાચી વિગતો અપાતી નથી. ભાજપના શાસકોએ લોકશાહીનું ખૂન કર્યાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.