રાજકોટમાં સામાન્ય રીતે વોટર ફિલ્ટર પ્લાન્ટની સફાઈ કરવા માટે પાણીકાપ મુકવામાં આવતો હોય છે પરંતુ, હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાણીકાપ મૂક્યા વિના ફિલ્ટર પ્લાન્ટની સફાઈ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મનપાનાં વોટર મેનેજમેન્ટ યુનિટ, રૈયાધાર ઝોન (મીકેનીકલ)માં 50 MLD ક્ષમતા ધરાવતા રૈયાધાર વોટર ફિલ્ટર પ્લાન્ટ ફેઝ-2ના બંને ક્લેરીફાયરની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી માટે આગોતરૂ આયોજન કરવામાં આવતા પાણીકાપ મૂકવો પડયો ન હતો.
પ્રાપ્ત વિગત મુજબ આ કામગીરી દરમિયાન શહેરની જાહેર જનતાને કોઈ અગવડ ન પડે તે આશયથી દૈનિક પાણી વિતરણ રાબેતા મુજબ ચાલુ રાખીને કોઈપણ પ્રકારના શટડાઉન રાખ્યા વગર બંને ક્લેરીફાયરની સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં ક્લેરીફાયરમાં જમા થયેલ સ્લજને સંપૂર્ણપણે દૂર કરી, સ્ક્રેપીંગ, બ્રશીંગથી ક્લેરીફાયર તથા તેની ઓવરફ્લો ચેનલ, ઇનલેટ ચેનલ, સેટલવોટર ચેનલ વગેરેની સફાઈ કરી, બ્લીચીંગ સોલ્યુશનનો છંટકાવ કરવામાં આવ્યો હતો તેમજ ટાંકામાં જમા થયેલા ગાર સહિતના કચરાને સાફ કરવામાં આવ્યો છે.