રાજકોટની સૌથી પ્રાચીન ગણાતી લાખાજીરાજ બજાર, જેમાં 1500થી પણ વધુ દુકાનો આવેલી છે, ત્યાં છેલ્લા 3 વર્ષથી પાથરણાના ત્રાસથી વેપારીઓ પરેશાન હતા. આ મામલે ગઈકાલે લાખાજીરાજ રોડના વેપારીઓ અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર કચેરી વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનરે વેપારીઓને મુશ્કેલી ન પડે તે માટે તકેદારી રાખવાની ખાતરી આપી હતી. આ ખાતરીના પગલે દબાણ હટાવ શાખા દ્વારા ગઈકાલ બપોરથી જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. અને આજે સવારથી વિવિધ જગ્યાએ પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા અને કોઈપણ ફેરિયાઓને રોડ ઉપર બેસવા દેવામાં આવ્યા ન હતા. આજે સવારે 9 વાગ્યાથી પોલીસ પેટ્રોલિંગ ચાલુ હતું અને દબાણ હટાવ શાખા દ્વારા સતત કામગીરી કરવામાં આવી હતી. દરમિયાન વેપારીઓને પણ તેમનો સામાન દુકાનની બહાર રાખવાની મનાઈ કરવામાં આવી હતી.
અન્ય સમાચાર રાજકોટ કોર્પોરેશન દ્વારા 532 કાયમી પાર્ટટાઈમ સફાઈ કામદારોની ભરતી માટે બહાર પાડવામાં આવેલી જાહેરાતના નિયમો સામે રાજકોટ કામદાર યુનિયને વાંધો ઉઠાવ્યો છે. યુનિયને મેયર અને ડે. કમિશનરને રજૂઆત કરી આ નિયમોને ગેરબંધારણીય ગણાવ્યા છે. યુનિયને જણાવ્યું હતું કે, આ ભરતીમાં માતા-પિતા અથવા દાદા-દાદીના વારસદારોને જ તક મળે તેવી જોગવાઈ રાખવામાં આવી છે. આ નિયમો જાતિ આધારિત અને અન્યાયપૂર્ણ છે. આના કારણે ઘણા વર્ષોથી મહેનત કરનારા હજારો ઉમેદવારો, ખાસ કરીને અનુસૂચિત જાતિના નાગરિકો, પોતાના અધિકાર ગુમાવી રહ્યા છે. કામદાર યુનિયને આ ગેરબંધારણીય નિયમો તાત્કાલિક રદ કરવાની અને દરેક નાગરિકને લાયકાતના આધારે ભરતીમાં ભાગ લેવાની સમાન તક આપવાની માંગ કરી છે. આ મામલે સંપૂર્ણ ફાઈલ સરકારને પુન:વિચાર માટે મોકલવામાં આવે તેવી માંગ પણ યુનિયને કરી હતી.